દૂરંતો ટ્રેનમાં ટોયલેટમાં વાસણ ધોતો સ્ટાફ !
♠ આરોગ્ય સાથે ખેલ; ટોયલેટની અંદર કેટરિંગ સ્ટાફની ઘોર બેદરકારી
♠ સવારે મુસાફરોની સ્વાસ્થ્ય સાથે સીધી ચેડા !
♠ Fssaiએ NOTICE IRCTCને નોટિસ ફટકારી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને નોટિસ જારી કરી છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને મોકલવામાં આવી છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેન નંબર ૧૨૨૪૩ LTT-ERS દુરંતો એક્સપ્રેસ માં કેટરિંગ સ્ટાફ ટ્રેનના ટોયલેટની અંદર જ ખાવાના વાસણ ધોઈ રહ્યો હતો. આ વીડિયો જોતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. FSSAIએ જણાવ્યું છે કે આ કૃત્ય ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન છે. FSSAIએ IRCTC પાસે આ ઘટના અંગે વિગતવાર તથ્યો અને સ્પષ્ટીકરણ માંગ્યા છે.
FSSAIએ જણાવ્યું કે Food Safety and Standards (Licensing and Registration of Food Businesses) Regulation, ૨૦૧૧ના Schedule-૪ અનુસાર, ખાદ્ય વ્યવસાય સંચાલકોએ ખોરાક તૈયાર કરવો, સંભાળવો, બર્તન ધોવા અને સફાઈની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વચ્છ રીતે કરવી જોઈએ. જેથી ખોરાક અથવા તેની સાથે સંકળાયેલી સપાટીઓ દૂષિત ન થાય. વીડિયોમાં જે દ્રશ્યો દેખાય છે તે અત્યંત અસ્વચ્છ અને આરોગ્ય માટે જોખમી છે. FSSAIએ IRCTCને તાત્કાલિક જવાબ આપવા જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર આક્રોશ આ વીડિયો વાયરલ થતાં નેટિઝન્સે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ઘણા લોકોએ રેલ્વે અને IRCTCની સેવાઓની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે. આ ઘટના ભારતીય રેલ્વેમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા વિશેના મુદ્દાને ફરી એક વાર ચર્ચામાં લાવી દીધો છે.