વોર્ડ નં. 15માં હાઇટેન્શન લાઇન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ
સીટી ન્યૂઝ@રાજકોટ
વોર્ડ નં. ૧૫ વિસ્તારમાં આવેલા અમરાબાઈ મધ્વાર રોડ પર ગીચ વસાહત વચ્ચે પસાર થતી જીઇબીની હાઇટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી સ્થાનિક રહીશો દ્વારા આ સુવિધા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક આગેવાનો અને રહીશોની રજૂઆતોને ધ્યાને લઈને આશરે ૩ કિલોમીટર લાંબી હાઇટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ થતાં વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી છે. આ કામગીરીથી રહેણાંક વિસ્તારમાં સળગતી વધવાની સાથે વિકાસ કાર્યોને પણ ગતિ મળશે, કોર્પોરેટર નિલેષભાઈ હેરભાએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારી અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને પ્રશ્નના ઝડપી નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પૂર્વ કોર્પોરેટર દેવજીભાઈ ખિમસુરીયા અને પ્રવિણભાઈ સોરાણીએ પણ લાંબા સમયથી આ મુદ્દે સતત રજૂઆતો કરીને મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યના પ્રારંભ પ્રસંગે કોર્પોરેટર નિલેષભાઈ હેરભા, વોર્ડ મહામંત્રી મૌલિકભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર દેવજીભાઈ ખિમસુરીયા, પ્રવિણભાઈ સોરાણી, કેતનભાઈ કુમારખાણીયા, મહેશભાઈ અઘેરા, નાનજીભાઈ પારધી, હસુભાઈ છાંટબાર, કમલેશભાઈ બગડા, રાહુલભાઈ ચાવડા, કિશોરભાઈ વાળા સહિતના આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.