વલ્લભીપુર તાલુકા પંચાયતમાં 39 વર્ષે અપક્ષનું શાસન
» ૧૯૮૭ માં નરસિંહભાઈ ઘેલડા બાદ આશાબા હાડાની અપક્ષ પ્રમુખ તરીકે ઐતિહાસિક વરણી
» ૧૦ અપક્ષ સદસ્યોએ સત્તા કબજે કરતા કારડીયા રાજપૂત સમાજમાં દિવાળી જેવો માહોલ
» જનતાના અતૂટ વિશ્વાસથી દાયકાઓ જૂના રાજકીય ઈતિહાસ અને વારસાનું પુનરાવર્તન
સિટી ન્યૂઝ@વલ્લભીપુર
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક ઐતિહાસિક અને અનોખું રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. કોઈપણ મોટા રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષના પીઠબળ વિના, સ્થાનિક સ્તરે 'પાના' (Spanner) ના ચૂંટણી ચિહ્ન પર લડીને જીતેલા ૧૦ અપક્ષ સદસ્યોએ એકજૂથ થઈને તાલુકા પંચાયત પર કબજો મેળવ્યો છે. કારડીયા રાજપૂત સમાજના આશાબા જયદીપસિંહ હાડા પ્રમુખ પદે બિરાજતા સમગ્ર પંથકમાં જશ્નનો માહોલ છે. વલ્લભીપુર તાલુકાના રાજકીય ઈતિહાસમાં બરાબર ૩૯ વર્ષ પછી આ ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન થયું છે. અગાઉ ૧૯૮૭ માં નરસિંહભાઈ નાનુભાઈ ઘેલડાએ કોઈપણ પક્ષના ટેકા વગર, એક અપક્ષ ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતનું પ્રમુખપદ મેળવ્યું હતું. સમાજ પ્રત્યેના તેમના ઉત્કૃષ્ટ યોગદાનને કારણે જ તેઓ 'ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના ભીષ્મ પિતામહ' તરીકે ઓળખાયા. હવે ૨૦૨૬ માં એ જ કારડીયા રાજપૂત સમાજના આશાબા હાડાએ અપક્ષ તરીકે પ્રમુખનું સુકાન સંભાળીને નરસિંહભાઈ ઘેલડાના ગૌરવવંતા વારસાને ફરીથી ઉજાગર કર્યો છે.
વલ્લભીપુર તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી વરણી પ્રક્રિયામાં ૧૦ અપક્ષ સદસ્યોના ટેકાથી આશાબા હાડાને બિનહરીફ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે હરદીપસિંહ ગોહિલની વરણી કરાઈ છે. કોઈ સામાન્ય કે અપક્ષ ઉમેદવાર સત્તાના સર્વોચ્ચ સ્થાને પહોંચે છે, ત્યારે તે પ્રજાના અતૂટ વિશ્વાસનું પ્રતીક બની જાય છે. લાંબા સમય પછી સમાજની કોઈ વ્યક્તિએ આ ગૌરવવંતુ પદ મેળવ્યું હોવાથી સમગ્ર વલ્લભીપુર પંથકના કારડીયા રાજપૂત સમાજમાં દિવાળી જેવો માહોલ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.
સત્તાનું સુકાન સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ આશાબા હાડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મોટા પક્ષોની જેમ રાજકારણ રમવાને બદલે, તેઓ રાજકારણથી પર થઈને માત્ર ને માત્ર વિકાસના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમની આખી ટીમ વલ્લભીપુર તાલુકાના અટકેલા વિકાસ કાર્યોને એક નવી ઊંચાઈ પર લઈ જવા અને સ્થાનિક જનતાને પ્રાથમિક સુવિધાઓની ભેટ આપવા કટિબદ્ધ છે.