Loading Please Wait !!!
વડોદરામાં 1100 ગાયોના સાનિધ્યમાં ગોવર્ધન ગૌચારણ મહામનોરથ યોજાશે

» વ્રજરાજકુમાર દ્વારા ભગવદ ગીતા પર 3 દિવસીય વચનામૃત સત્રનો પ્રારંભ થશે

» 250 ફૂટ લાંબા ગિરિરાજજીના નિર્માણ સાથે 25 મેના રોજ ભવ્ય રાસોત્સવ

» નવલખી મેદાનમાં 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ અને ગૌચારણ મનોરથનું ભવ્ય આયોજન

સિટી ન્યૂઝ@વડોદરા

પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે વડોદરાના નવલખી મેદાન ખાતે વૈશ્વિક સંસ્થા VYO અને વ્રજધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય 'ગિરિરાજ કૃપા મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મહોત્સવમાં ૧૧૦૦ ગાયોના સાનિધ્યમાં ગોવર્ધન ગૌચારણ મહામનોરથ યોજાશે, જેમાં વડોદરા અને રાજ્યભરમાંથી હજારો ધર્મપ્રેમીઓ ઉમટી પડશે. આ ધાર્મિક આયોજનથી શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.

આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારના મુખેથી ૩ દિવસીય ભગવદ ગીતા વચનામૃત સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં એકસાથે ૧૫૦૦૦ થી વધુ વૈષ્ણવો લાભ લેશે. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મેદાનમાં ૨૫૦ ફૂટ લાંબા અને ૭૦ ફૂટ ઊંચા વિરાટ ગિરિરાજજીનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે. તળેટીમાં વ્રજધામ સંકુલના ગિરિરાજ પ્રભુ ૧૧૦૦ ગાયો સાથે બિરાજમાન થઈને ગૌચારણ મનોરથના દિવ્ય દર્શન કરાવશે. આ ઉપરાંત વ્રજભૂમિના પવિત્ર કુંડોમાંથી લાવવામાં આવેલા પ્રસાદી જળ અને પવિત્ર રજથી નવલખી મેદાન સાક્ષાત વ્રજભૂમિમાં ફેરવાઈ જશે. આગામી ૨૪ મેના રોજ ૧૧૦૦ ગાયોની હાજરીમાં ૨૧૦૦ કુંડી 'પુરષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ' યોજાશે, જેમાં ભાગ લેવા માટે બહારગામથી પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે. આ વિશેષ અમૃતોત્સવમાં ૧૧૦૦ વૈષ્ણવ પરિવારોના ઠાકોરજી એકસાથે બિરાજમાન થશે, જે ભક્તો અને દર્શનાર્થીઓ માટે એક અત્યંત દુર્લભ અને દિવ્ય લહાવો બની રહેશે.

અતુલ પુરોહિતના કંઠે રાસ-ગરબાની રમઝટ

મહોત્સવના અંતિમ ચરણમાં ૨૫ મેના રોજ ગુજરાતના જાણીતા ગાયક અતુલ પુરોહિતના કંઠે ભવ્ય રાસ-ગરબા અને રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં મોટી સંખ્યામાં યુવાનો, બાળકો અને વડીલો ઉત્સાહભેર જોડાશે. શહેરની મધ્યમાં યોજાઈ રહેલા આ મહોત્સવ થકી અધિક માસમાં હરિનામ સ્મરણનો હજારો લોકો લાભ પ્રાપ્ત કરશે.