Loading Please Wait !!!
વાડી વિસ્તારમાંથી 6 વર્ષના બાળકને ઢસડી ફાડી ખાધો

  • બગસરાના ઘંટીયાણ ગામે સિંહણનો આતંક
  • પરપ્રાંતીય શ્રમિક પરિવારના માસુમ બાળકનું કરુણ મોત: પરિવારમાં શોક

સીટી ન્યૂઝ@ધર્મેશ મહેતા

અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ વસ્તી પર હુમલાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે ગતરાતે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના વાડી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારના આશરે ૬ વર્ષના માસૂમ બાળક દિનેશ પર એક સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ માસૂમ બાળકને શિકાર બનાવી વાડીમાંથી આશરે એક કિલોમીટર દૂર ઢસડી ગઈ હતી. આ ભયાનક હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગ દ્વારા બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર બગસરા તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. લોકો હવે ખેતરોમાં જતા પણ ડરી રહ્યા છે. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે, માનવ વસ્તી અને વાડી વિસ્તારોમાં સિંહોની અવરજવર અટકાવવામાં આવે અને રાત્રિના સમયે વન વિભાગનું પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને ભયના ઓથાર હેઠળ જીવતા લોકોની સુરક્ષા માટે તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. આ શ્રમિકના માસૂમ બાળકના મોતને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.