અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરી: SIT ની તપાસમાં મોટો ઘટસ્ફોટ
- 43 કર્મચારીઓ પર તપાસનો ગાળિયો, 2 કરોડની રકમ પરત મળ્યાનો અહેવાલ
- કર્મચારીઓની પૂછપરછ શરૂ, સોનાની ગદા અને જ્વેલરી ગુમ થયાની ચર્ચાએ જોર પકડ્યું
- મંદિરમાં દાનપેટીમાંથી નાણાં ગાયબ થતા ખળભળાટ, પાંચ કર્મચારીઓ પાસેથી રકમ વસૂલ
સિટી ન્યુઝ @ અયોધ્યા
અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીનો ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે, જેને પગલે તપાસ માટે ખાસ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે મંદિરમાં આવતા દાનમાંથી મોટી રકમની ચોરી કરવામાં આવી છે. આ સંદર્ભમાં દાનની ગણતરી કરતી સમગ્ર ટીમ પર SIT બાજ નજર રાખી રહી છે અને આશરે 43 જેટલા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ, સીસીટીવી કેમેરામાં ચોરી કરતા ઝડપાયેલા પાંચ કર્મચારીઓ પાસેથી બે કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા અને તેમને નોકરીમાંથી પણ કાઢી મુકવામાં આવ્યા હતા.
મંદિરના પરિસરમાં હાલ 40 જેટલી દાનપેટીઓ આવેલી છે, જેમાં દાનની રકમ જમા થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરમાં માત્ર રોકડ રકમ જ નહીં પરંતુ સોના-ચાંદીની જ્વેલરી પણ ચોરાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને બે કિલો સોનાની ગદા ગુમ હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે, જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના પૂર્વ ડ્રાઇવર રામ શંકર યાદવ પર પણ આંગળી ચીંધવામાં આવી રહી છે, જોકે તેમણે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
SIT સતત બીજા દિવસે અયોધ્યા રામ મંદિર પહોંચી હતી અને મંદિર ટ્રસ્ટના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આટલી ગંભીર ઘટના છતાં હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. SIT દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી 15 દિવસમાં પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. રિપોર્ટ સોંપાયા બાદ જ આ કૌભાંડમાં સામેલ જવાબદાર લોકો સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તપાસના મુખ્ય બિંદુઓ રામ મંદિર દાન ચોરી પ્રકરણમાં SIT દ્વારા દાનની વ્યવસ્થા સંભાળતી સમગ્ર ટીમની તપાસ કરવામાં આવી રહી છે. દાનપેટીઓની સંખ્યામાં થયેલો વધારો અને કર્મચારીઓ પરના આરોપોની સત્યતા ચકાસવી એ મુખ્ય ઉદ્દેશ્ય છે. ટ્રસ્ટના સભ્યોની પૂછપરછ અને રોકડ સાથે કિંમતી વસ્તુઓની તપાસ પણ મહત્વની રહેશે. 15 દિવસ બાદ રજૂ થનારો રિપોર્ટ આ સમગ્ર વિવાદનું સત્ય બહાર લાવશે.