સિનેમાથી સત્તા સુધી વિજયનું હવે તમિલનાડુના CM બનવું ફાઇનલ
- TVKને કોંગ્રેસ, લેફ્ટ, VCKનું સમર્થનઃ બહુમતિ માટે 118 ધારાસભ્યો પુરા
સિટી ન્યૂઝ@ચેન્નાઇ : તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ની સરકાર બનવાનું નક્કી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે નાના પક્ષો VCK, CPI અને CPM સમર્થન આપવા સંમત થયા છે. બીજી તરફ, TVK ચીફ વિજય આજે સાંજે લોકભવનમાં ગવર્નર રાજેન્દ્ર આર્લેકરને મળશે. તાજેતરના રાજકીય ઘટનાક્રમ બાદ સરકાર બનાવવાનો દાવો બે વાર રજૂ કર્યા પછી TVK ચીફ વિજયની ગવર્નર સાથે આ ત્રીજી મુલાકાત હશે.
VCK, CPI અને CPM ટેકો આપવા સંમત થયા છે. આ તમામ પક્ષોના 2-2 ધારાસભ્યો ચૂંટાયા છે. 5 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે પહેલાથી જ ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે.
આ દરમિયાન DMK અને AIADMK વચ્ચે ગઠબંધન થવાના સમાચાર છે. આ અંગે TVK એ કહ્યું કે જો બંને દ્રવિડ પક્ષો સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, તો પાર્ટીના તમામ ધારાસભ્યો રાજીનામું આપી દેશે.
TVK ને હવે શંકા છે કે બંને પક્ષો સૌથી વધુ જનસમર્થન મેળવનાર પક્ષને સત્તામાંથી બહાર કરવા માંગે છે. સૂત્રો અનુસાર, આ નિર્ણય DMK-AIADMK જૂથોની છેલ્લા બે દિવસમાં થયેલી બે બેઠકો પછી લેવામાં આવ્યો.
આ દરમિયાન, TVK સમર્થકોએ શુક્રવારે સવારે ગવર્નર હાઉસ (લોકભવન) સામે પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે ઘણા સમર્થકોની અટકાયત
કરી છે.
રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે ગુરુવારે બીજી વખત TVK પ્રમુખ વિજયના સરકાર બનાવવાની દાવેદારીને નકારી કાઢી હતી. તેમણે તેમને કહ્યું કે તેઓ બહુમતી સાબિત કરવા માટે 118 ધારાસભ્યોની સહીઓ લઈને જ પાછા ફરે. જોકે, રાજ્યપાલે વિજયને ખાતરી આપી છે કે તેઓ અન્ય કોઈ પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રિત કરશે નહીં.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CPIના જનરલ સેક્રેટરી ડી રાજા સાથે વાત કરી છે અને તેમની પાર્ટીને તમિલનાડુમાં બિનસાંપ્રદાયિક સરકાર બનાવવા માટે TVKને સમર્થન આપવા અપીલ કરી છે, સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી.
સૂત્રોએ જણાવ્યું કે ખડગેએ ગુરુવારે રાજાને ફોન કરીને આ વાત પર ભાર મૂક્યો કે CPI એ જલ્દી નિર્ણય લેવો જોઈએ જેથી BJP ને પાછલા દરવાજેથી સત્તા હડપવાનો મોકો ન મળે.
એવું માનવામાં આવે છે કે રાજાએ કહ્યું કે CPI DMK સહિત તેના સ્થાનિક સાથીઓ સાથે સલાહ કરશે અને ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેશે.