લેઉવા પાટીદારોમાં `રામાયણ'?
- ધીરુ ગજેરાએ કહ્યું: નવું ખોડલધામ `સમાજ વિરોધી'
- ઉદ્યોગપતિ પૈસાના જોરે આસ્થાના કેન્દ્રોના ભાગલા પડ્યા એ નિંદનીય : ગજેરા
- માત્ર ભવનો બનાવવા કે શક્તિ પ્રદર્શન કરવાથી સમાજનું ભલુ નથી થવાનું
- કડવા પાટીદાર સમાજે જે રીતે `ઉમિયાધામ'ને એક રાખીને સંગઠન શક્તિ બતાવી છે તેવી રીતે લેઉવા પટેલોને કાગવડને જ સર્વોપરી માનવું જોઈએ
- પાટીદાર ઉદ્યોગપતિઓને જો ખરેખર સમાજ સેજા કરવી હોય તો વિધવા બહેનોના બાળકોની ફી ભરે અથવા હોસ્પિટલોમાં મદદ કરે
સિટી ન્યૂઝ@સુરત : લેઉવા પટેલ સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામ અને સમાજની એકતાને લઈને જાણીતા પાટીદાર અગ્રણી ધીરુ ગજેરાનું એક સનસનાટીભર્યું નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ધીરુ ગજેરાએ સુરતના અમુક ઉદ્યોગપતિઓ દ્વારા અલગ 'ખોડલધામ' ઊભું કરવાના પ્રસ્તાવ સામે લાલ આંખ કરી છે. તેમણે આ પ્રયાસને સમાજમાં ભાગલા પડાવનારું અને અત્યંત જોખમી પગલું ગણાવ્યું છે.આ સમગ્ર વિવાદ એટલા માટે સર્જાયો છે કે, ગઈકાલે જ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા સુરતના અંત્રોલી ખાતે 40 વીઘામાં ખોડલધામ મંદિર અને સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે સુરતના કેટલાક મોટા ગજાના ઉદ્યોગપતિઓ પણ ખોડલધામ જેવું સંકુલ બનાવવાની તજવીજ કરતા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ થવા ઉઠી છે. જેને લઈને આ વિવાદ સર્જાયો છે.ધીરુ ગજેરાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગપતિઓ જે ઊંચી વગ અને આર્થિક શક્તિ ધરાવે છે, તેમણે પોતાની શક્તિનો ઉપયોગ સમાજને જોડવા માટે કરવો જોઈએ, તોડવા માટે નહીં. પૈસા હોવા એ સારી વાત છે, પણ એ પૈસાના જોરે આસ્થાના કેન્દ્રોના ભાગલા પાડવા એ નિંદનીય છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે કરોડોના ખર્ચે બનેલા હીરા બુર્સ જેવા પ્રોજેક્ટ્સ આજે ખાલી પડ્યા છે, ત્યારે સમાજની એકતાના ભોગે આવા નવા સાહસો માત્ર આર્થિક વેડફાટ સાબિત થશે.તેમણે યાદ અપાવ્યું હતું કે કાગવડ ખાતેનું ખોડલધામ એ કેશુભાઈ પટેલ અને નરેશ પટેલ જેવા અનેક દિગ્ગજોના પરિશ્રમ અને એકતાનું પ્રતીક છે. ધીરુ ગજેરાએ કહ્યું કે, કડવા પાટીદાર સમાજે જે રીતે 'ઉમિયાધામ'ને એક રાખીને સંગઠન શક્તિ બતાવી છે, તેવી જ રીતે લેઉવા પટેલોએ પણ કાગવડને જ સર્વોપરી માનવું જોઈએ. નવા ધામ બનાવવાનો વિચાર એ નરેશ પટેલ અને અન્ય આગેવાનોના વર્ષોના સપનાને ઠેસ પહોંચાડવા સમાન છે.
વીડિયોમાં તેમણે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગની પીડાને વાચા આપતા કહ્યું કે, આજે સમાજનો સામાન્ય માણસ મોંઘી શિક્ષણ ફી, આરોગ્યના ખર્ચા અને બેરોજગારીથી પરેશાન છે. ઉદ્યોગપતિઓએ જો ખરેખર સમાજસેવા કરવી હોય તો વિધવા બહેનોના બાળકોની ફી ભરે અથવા હોસ્પિટલોમાં મદદ કરે. માત્ર ભવનો બનાવવા કે શક્તિ પ્રદર્શન કરવાથી સમાજનું ભલું નથી થવાનું. ધીરુ ગજેરાએ તમામ પાટીદાર અગ્રણીઓને અપીલ કરી હતી કે વ્યક્તિગત સ્વાર્થ છોડીને કાગવડ ખોડલધામની ગરિમા જાળવી રાખો અને સમાજની એકતા અખંડ રહે તેવા પ્રયાસો કરો.