Loading Please Wait !!!
સમગ્ર વિશ્વમાં હિન્દુ દર્શનનો ધ્વજ લહેરાવનાર સ્વામી વિવેકાનંદને ભાવાંજલિ

 

શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના આધ્યાત્મિક વૈભવનો ડંકો વગાડનાર મહાપુરુષનું ૪ જુલાઈએ સ્મરણ

ગર્વ સે કહો હમ હિન્દુ હે - સ્વામી વિવેકાનંદ

જયેશ સંઘાણી 9428200520

સ્વામી વિવેકાનંદજીનું આજરોજ ૪ જુલાઈ ૧૯૦૨ ના રોજ અવસાન થયું હતું. તેમની પુણ્યતિથિ નિમિતે હાર્દિક શ્રદ્ધાસુમન. સમગ્ર વિશ્વને ભારતની શક્તિ અને સામર્થ્યનો સંદેશો આપનાર, અમેરિકાના શિકાગોમાં ધર્મ સભામાં હિન્દુ ધર્મનો ડંકો વગાડનાર અને “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” નો તેમનો સંદેશો વિશ્વના યુવાનો માટે પ્રેરણારૂપ રહ્યો હતો.

સ્વામી વિવેકાનંદજીનો જન્મ પોષ સાતમ, સોમવારે મકરસંક્રાંતિના દિવસે ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ કલકત્તામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરીદેવી હતું.

તેમની માતા ભુવનેશ્વરીદેવીએ નરેન્દ્રને પ્રારંભિક શિક્ષણ આપ્યું. રામાયણમહાભારતની કથાઓ સાથે બંગાળી લિપિ શીખવાડી અને અંગ્રેજી ભાષાથી પણ નરેન્દ્રને વાકેફ કર્યો. છ વર્ષની વયે ૧૮૬૯માં પાઠશાળામાં ભણવા મોકલ્યો; પરંતુ ત્યાંનું વાતાવરણ નરેન્દ્રને માફક ન આવ્યું. વળી નરેન્દ્ર અતિશય પણ ખૂબ હતો. પિતાએ પાઠશાળાના બદલે ઘરે જ શિક્ષકને ભણાવવા રોક્યા. નરેન્દ્રની તીવ્ર બુદ્ધિ અને ગ્રહણશક્તિના કારણે સાત વર્ષની વયે તો એણે મુગ્ધબોધ નામક સંસ્કૃત વ્યાકરણ શીખી લીધું. વળી રામાયણનો કેટલોક ભાગ તો કંઠસ્થ કરી લીધો હતો. એને રાજાની રમત ખૂબ ગમતી. એ કાયમ રાજા જ બનતો અને સત્તા ભોગવતો!

નરેન્દ્રને પદ્ધતિસરનું શિક્ષણ મળે તે માટે ઈ.સ. ૧૮૭૧માં પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યો અને એની શિક્ષણગતિ ચાલી. એની અસાધારણ બુદ્ધિથી ત્યાંના શિક્ષકો પ્રભાવિત થયા હતા. રમત સાથે સાધુ-સંન્યાસી તરફ એ અહોભાવથી જોતો. ત્યારે કોઈ જ્યોતિષીએ નરેન્દ્રનાથ સંન્યાસી બનશે તેવું ભવિષ્ય ભાખ્યું હતું.

વિલક્ષણ અને વિચક્ષણ વ્યક્તિત્વ ધરાવતા સ્વામી વિવેકાનંદ ઓગણીસમી સદીના ક્રાન્તિકારી આધ્યાત્મિક પુરુષ હતા. નરેન્દ્રનાથ વહેમમાં ન માનતા. કોઈથી ડરતા નહિ. વ્યાયામ પ્રત્યે એમને રુચિ હતી. ૧૮૭૭માં પિતાએ મધ્યપ્રદેશના રાયપુરમાં નિવાસ કર્યો ત્યારે પિતાથી વિશેષ પરિચિત થયા અને પિતા પણ પુત્રની બુદ્ધિથી વાકેફ થયા. એ ઉમદા પિતાએ નરેન્દ્રનાથનું ઘડતર કર્યું. વળી પિતા કોલકાતા પાછા આવ્યા. ત્યાં એમણે અંગ્રેજીબંગાળી સાહિત્યનું વાંચન કર્યું અને ઈતિહાસનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. ૧૮૭૯માં પ્રવેશિક પરીક્ષા પાસ કરી.

 

ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રેસિડેન્સી કોલેજમાં દાખલ થયા. એક વર્ષ પછી સ્કોટિશ જનરલ મિશનરી બોર્ડે સ્થાપેલી સંસ્થામાં જોડાયા (હાલ સ્કોટિશ ચર્ચ કોલેજ). રાતદિવસ વાંચતા રહ્યા અને આધ્યાત્મિક વૃત્તિ જાગેલી; એથી ધ્યાનમાં બેસતા. આ પરિશ્રમથી એમની તબિયત લથડી. ૧૮૮૧માં ફર્સ્ટ આર્ટ્સની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. એ જ વર્ષે નવેમ્બર માસમાં શ્રી રામકૃષ્ણ પરમહંસને મળવાનું થયેલું.

 

ઈશ્વરદર્શનની ઈચ્છા તીવ્ર બનવા માંડી. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને મળ્યા; પરંતુ સંતોષકારક ઉત્તર ન મળ્યો, ત્યારે એમને શ્રી રામકૃષ્ણ પરમહંસનું સ્મરણ થયું અને દક્ષિણેશ્વર જવાનો નિર્ણય કર્યો.

 

૧૮૮૪માં સ્નાતક થયા. એ પછી તરત એમના પિતાનું અવસાન થયું. કુટુંબ આર્થિક રીતે સંકડામણમાં આવી ગયું. જીવનનિર્વાહ ચલાવવાનું કપરું બન્યું. નરેન્દ્રનાથ શિક્ષક બન્યા. વકીલને ત્યાં નોકરી કરી. અનુવાદ કરીને આજીવિકા મેળવી; પરંતુ આપત્તિઓમાં વૃદ્ધિ જ થતી રહી. આ કપરા કાળમાં નરેન્દ્રનાથ ગુરુ પાસે ગયા, ત્યારે જે અનુભૂતિ થયેલી તે એમના જીવનનો વળાંક હતો.

 

શ્રી રામકૃષ્ણની છાયામાં એમના આધ્યાત્મિક વ્યક્તિત્વની ગતિને વેગ મળ્યો. ૧૮૮૬ની ૧૬ ઓગસ્ટે શ્રી રામકૃષ્ણે જીવનલીલા સંકેલી લીધી. વરાહનગર મઠમાં જે યુવકોએ વિધિપૂર્વક વિરજાહોમ કર્યો તેમાં નરેન્દ્રનાથ પણ એક હતા. હવે એમણે સંસારી નામ ત્યાગીને સંન્યાસીનાં નામો ધારણ કર્યાં હતાં. નરેન્દ્રનાથે ત્યારે વિવેકાનંદ નામ ધારણ કરેલું.

 

વિવેકાનંદ બન્યા પછી એમણે ભારતનું ભ્રમણ કર્યું. કન્યાકુમારીના સાગરકાંઠે જે શિલા પર વિવેકાનંદને દર્શન થયું તે શિલા આજે વિવેકાનંદ રોક તરીકે ઓળખાય છે. દેશબાંધવોનાં દુઃખ-નિવારણ માટે એમણે દેશભક્તિમાં સંન્યાસ જોયો અને સંન્યાસમાં દેશભક્તિ જોઈ.

૩૧ મે, ૧૮૯૩માં અમેરિકા જવા રવાના થયા. ૧૮૯૩ની ૧૧ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ધર્મ પરિષદનું ઉદઘાટન થયું. એમણે કરેલું સંબોધન "બહેનો અને ભાઈઓ" સહુને આકર્ષી ગયું. એમણે કહેલું: મને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે.

એમણે અમેરિકા અને યુરોપમાં અનેક વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મની ભવ્યતા ઉજાગર કરી.

ઈતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસના અધિવેશનમાં મુસ્લિમ તૃષ્ટિકરણ કરીને પણ અપૂર્ણ સ્વરાજ લેવાની વાત કરેલી. એ બધા આજે હિન્દુ હિંસક હોવાની વાત કરે છે, એ સંયોગ નથી પણ હિન્દુઓને નેસ્તનાબૂદ કરવાનો પ્રયોગ છે. ત્યારે પુન એક વાર સ્વામીજી વિવેકાનંદજીની વાતનો પુન ઉચ્ચાર કરવો રહ્યો કે સર્વ ધર્મના મૂળમાં હિન્દુ ધર્મ છે.

હિન્દુ રાષ્ટ્રનું અને હિન્દુ હોવાનું ગૌરવ જેમને પોતાના પરાક્રમથી સ્થાપિત કર્યું એવા રાજાઓમાં શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ શિરમોર ગણાય છે. જ્યારે ભારત માતાને ગુલામોની બેડીમાંથી છોડાવવા માટે સુભાષચંદ્ર બોઝ, સ્વાતંત્ર્ય વીર સાવરકર, લાલ-બાલ-પાલ, ભગતસિંહ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર આંબેડકર, ડોક્ટર હેડગેવાર વગેરે અનેક ક્રાંતિકારીઓએ પ્રયાસો કર્યા.

૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ અને રાષ્ટ્રીય યુવા દિન તરીકે પૂરા ભારતમાં ઉજવાય છે.

૧૮૯૯માં બેલુર મઠની સ્થાપના અને ૧૯૦૧માં ટ્રસ્ટની રચના કરી. આજવન કર્મમાં મગ્ન સ્વામી વિવેકાનંદનું ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ અવસાન થયું. ભૌતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિકતાનો સમન્વય સાધવો એ એમનો આદર્શ હતો. તેમનું સૂત્ર હતું "ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત"