યાત્રાધામ વીરપુરમાં PGVCLની લાલિયાવાડી : કચેરી કાગળ પર, કામગીરી જેતપુરથી!
» તાર તૂટે તો રિપેરિંગ માટે રસીદ વિના સીધા રૂ. ૫૦૦નો તોડ! અરજી ન કરવી હોય તો પૈસા આપવા પડે તેવી ખુલ્લી ધમકી
» ૨૫ હજારની વસ્તી અને હજારો યાત્રાળુઓ છતાં વીરપુરમાં કચેરી કેમ નહીં? સ્થાનિકોમાં ભારે આક્રોશ
» જાગૃત નાગરિકો મેદાને: ભ્રષ્ટ વહીવટ સામે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને લેખિત રજૂઆત કરી તપાસની માંગ
સિટી ન્યૂઝ@ગૌરવ ગાજીપરા-વીરપુર
જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પીજીવીસીએલ (PGVCL) ના અંધેર વહીવટનો આશ્ચર્યજનક નમૂનો સામે આવ્યો છે. વીરપુરની સબ ડિવિઝન કચેરી માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે, જ્યારે તેનો સમગ્ર વહીવટ જેતપુરથી ચલાવવામાં આવી રહ્યો છે. જેના કારણે સ્થાનિક ગ્રાહકો, ખેડૂતો અને વેપારીઓએ વીજળીની નાની-મોટી સમસ્યાઓ માટે પણ છેક જેતપુર સુધી ધક્કા ખાવા મજબૂર થવું પડી રહ્યું છે. ચોમાસાની શરૂઆત થતાં જ પાંગળી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે અને છાશવારે સિંગલ ફેઝ સર્વિસના તાર તૂટવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટ બાબુઓએ આ આપત્તિને અવસરમાં ફેરવીને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે.
સ્થાનિકોના ગંભીર આક્ષેપ મુજબ, ઘરોની સિંગલ ફેઝ સર્વિસના તાર તૂટે ત્યારે સમારકામ કરવા આવતા કેટલાક કર્મચારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી સીધા રૂ. ૫૦૦ ની ઉઘરાણી કરવામાં આવે છે. આ રકમના બદલામાં ગ્રાહકને કોઈ જ સત્તાવાર રસીદ અપાતી નથી. જો કોઈ ગ્રાહક રકઝક કરે તો તેને સીધી જ ધમકી અપાય છે કે, "અરજી કરવા માટે જેતપુર સુધી ન જવું હોય, તો અમને રૂ. ૫૦૦ આપવા પડે." વીજ કંપનીના નિયમ મુજબ સર્વિસ બદલવા કે રિફિલિંગ માટે નિર્ધારિત સેવા ચાર્જ વસૂલીને પાકી રસીદ આપવી ફરજિયાત હોવા છતાં, વીરપુરમાં કાયદાને નેવે મૂકીને ખુલ્લેઆમ તોડબાજી ચાલી રહી છે.
વીરપુર આશરે ૨૫ હજારની વસ્તી ધરાવતું મોટું ગામ છે અને જલારામ બાપાના દર્શનાર્થે દરરોજ હજારો યાત્રાળુઓ અહીં આવે છે. આમ છતાં, વીરપુર પીજીવીસીએલની સબ ડિવિઝન કચેરી જેતપુરથી કેમ ઓપરેટ થઈ રહી છે તે મોટો સવાલ છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે વીરપુરમાં જ તાત્કાલિક સબ ડિવિઝન કચેરી કાર્યરત કરવામાં આવે અને કાયમી ફોલ્ટ સેન્ટર ઊભું કરી સ્થળ પર જ અરજીઓ સ્વીકારી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે. આ મામલે જાગૃત નાગરિકોએ રાજ્યના મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને લેખિત રજૂઆત કરી કડક તપાસની માંગ કરી છે.
હવે જોવું એ રહ્યું કે, સરકાર અને ઉચ્ચ તંત્ર જાગે છે કે પછી યાત્રાધામ વીરપુરના લોકોએ આમ જ ભ્રષ્ટાચારનો ભોગ બનીને જેતપુરના ધક્કા ખાવા પડશે!
સાહેબને જ ખબર નથી કે ચાર્જ કેટલો છે!
આ સમગ્ર મામલે પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર ડી. કે. જેઠવાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમનો ઉડાઉ અને હાસ્યાસ્પદ જવાબ ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે જણાવ્યું કે, 'સિંગલ ફેઝ સર્વિસ બદલવા અને રિફિલિંગનો ચાર્જ અંદાજે રૂ. ૧૦૦ ની આસપાસ હોય છે અને સબ ડિવિઝન મુજબ તેમાં ફેરફાર હોઈ શકે છે.' જ્યારે વાસ્તવિકતા એ છે કે, પીજીવીસીએલના નિયમો મુજબ તમામ સબ ડિવિઝનમાં આવા સેવા ચાર્જ એકસરખા જ હોય છે અને તેનો નિર્ધારિત ચાર્જ અંદાજે રૂ. ૩૦૦ થી ૩૫૦ જેટલો હોય છે. આ બાબત સાબિત કરે છે કે ખુદ કાર્યપાલક ઈજનેરને જ ખબર નથી કે સાચો ચાર્જ કેટલો છે!