ખેડૂત આંદોલનથી ડરેલી સરકાર ખેડૂતોને લોલીપોપ આપી રહી છે : અમિત ચાવડા
વીજ ટ્રાન્સમિશન લાઈન વળતર મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વીજ ટ્રાન્સમિશન લાઈન અને વીજ ટાવર માટે ખેડૂતોને વળતર અંગે રાજ્ય સરકારની તાજેતરની જાહેરાતને ખેડૂતો સાથેનો ગંભીર અન્યાય ગણાવી કડક પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂત આંદોલનથી ડરેલી સરકારે માત્ર "લોલીપોપ" આપવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે ખેડૂતોના મૂળભૂત અને વાસ્તવિક પ્રશ્નોનો કોઈ સચોટ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
અમિત ચાવડાએ જણાવ્યું કે ખેડૂતોની સંમતિ વિના તેમની જમીન પર ખાનગી વીજ કંપનીઓ દ્વારા કરાયેલા કબજાઓ પ્રથમ તાત્કાલિક દૂર કરવામાં આવે. ત્યારબાદ જ કોઈપણ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. સરકાર ઉદ્યોગપતિઓની તરફેણ છોડીને ખેડૂતોને માર્કેટ રેટના ચાર ગણા વળતર ચૂકવે તેવી તેમણે સ્પષ્ટ અને દ્રઢ માંગ કરી હતી.
કોંગ્રેસે સરકાર સમક્ષ માંગ કરી છે કે વળતરની ગણતરીમાં વાણિજ્ય જંત્રીને આધાર બનાવવામાં આવે, વીજ લાઈનના કારણે જમીનની કિંમતમાં થતા ઘટાડાનું અલગથી અને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેમજ ખેડૂતોની લેખિત અને સ્વૈચ્છિક સંમતિ વિના ખાનગી કંપનીઓને વીજ લાઈન કે ટાવર નાખવાની મંજૂરી આપવામાં ન આવે.
ચાવડાએ વધુમાં જણાવ્યું કે વીજ પોલ અને હાઈ ટેન્શન લાઈનના કારણે થતા અકસ્માત, મૃત્યુ, કાયમી અપંગતા અથવા પાકને થતા નુકસાન માટે વીજ કંપનીઓને ફરજિયાત અને યોગ્ય વળતર ચૂકવવાની સ્પષ્ટ નીતિ જાહેર કરવી જોઈએ. આ સુરક્ષા યોજનાનું પ્રીમિયમ પણ સરકાર અથવા સંબંધિત કંપનીએ જ ભરવું જોઈએ જેથી ખેડૂતો પર કોઈ વધારાનો બોજો ન પડે.
તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે અગાઉ અસરગ્રસ્ત ખેડૂતોને પણ નવા ધોરણ મુજબ પાછલી તારીખથી વળતર આપવામાં આવે અને વળતર ચૂકવવાની કાયદેસર સમયમર્યાદા નક્કી કરવામાં આવે જેથી ખેડૂતોને વર્ષો સુધી કચેરીઓના ધક્કા ન ખાવા પડે.
અંતમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂતોને નહીં પરંતુ ખાનગી વીજ કંપનીઓ અને ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવા માટે કામ કરી રહી છે. ખેડૂતોની જમીન પર બળજબરીથી કબજો કરવો અને પછી અધૂરી જાહેરાતો કરવી એ ખેડૂતો સાથે વિશ્વાસઘાત સમાન છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે અને તેમની તમામ માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસ રસ્તાથી લઈને વિધાનસભા સુધી લડત ચાલુ રાખશે.
(જમણી બાજુના બોક્સમાં આપેલું લખાણ)
જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે અને તેમની માંગણીઓ નહીં સંતોષાય, ત્યાં સુધી કિસાન કોંગ્રેસ લડત ચાલુ રાખશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની માંગ
-
ખેડૂતોની સંમતિ વગર તેમની જમીન પર ખાનગી વીજ કંપનીઓનો કબજો પહેલા ખાલી કરાવો
-
ખેડૂતોને માર્કેટ રેટના ચાર ગણા વળતર ચૂકવવામાં આવે.
-
વળતરની ગણતરીમાં વાણિજ્ય જંત્રીને આધાર બનાવવામાં આવે.
-
વીજ લાઈનના કારણે સમગ્ર જમીનની કિંમતમાં થતા ઘટાડાનું અલગથી સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે.
-
ખેડૂતોની લેખિત અને સ્વૈચ્છિક સંમતિ વિના કોઈપણ ખાનગી કંપનીને વીજ લાઈન કે વીજ ટાવર નાખવાની મંજૂરી આપવામાં ન આવે.
-
વીજ લાઈનના કારણે દુર્ઘટનામાં મૃત્યુ અથવા કાયમી ખોડખાંપણ તથા પાકના નુકસાન સામે યોગ્ય વળતર ફરજિયાત ચૂકવવાની નીતિ બનાવવામાં આવે.
-
આ સુરક્ષા યોજનાનું પ્રીમિયમ સરકાર અથવા સંબંધિત વીજ કંપની ભોગવે.
-
અગાઉ અસરગ્રસ્ત તમામ ખેડૂતોને પણ નવા ધોરણ મુજબ પાછલી તારીખથી વળતર ચૂકવવામાં આવે.
-
વળતર ચૂકવવાની કાયદેસર સમયમર્યાદા નક્કી કરવામાં આવે.
-
MRCમાં ખેડૂતોના પ્રતિનિધિને માત્ર સ્થાન નહીં, પરંતુ નિર્ણય પ્રક્રિયામાં અસરકારક અને બંધનકર્તા અધિકાર આપવામાં આવે.