શનિવારે બાલાજી હનુમાનજીને ફૂલોનો દિવ્ય શણગાર
અલૌકિક દર્શન માટે ભક્તોની ભારે ભીડ, મંદિર ‘જય બાલાજી’ના જયઘોષથી ગુંજ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત કરણસિંહજી હાઈસ્કૂલ નજીક આવેલા શ્રી બાલાજી હનુમાનજી મંદિરે શનિવારના પાવન અવસરે દાદાને તાજા અને સુગંધિત ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સોનેરી સિંહાસન પર વિવિધ રંગોના પુષ્પોથી સજાવેલી બાલાજી હનુમાનજીની મનોહર ઝાંખીએ ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા.
દિવ્ય શણગારના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘જય બાલાજી’ અને ‘જય બજરંગ બલી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ દાદાના દર્શન કરી સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ વિશેષ શણગાર દર્શનનું આયોજન મંદિરના મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી તથા કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન અને નિશ્રા હેઠળ કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ મળે તે માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.