રાજકોટની Allen Academyમાં ડમી એડમિશનનો ખેલ ?
શિક્ષણ કે ધંધો: ડમી એડમિશનથી વાલીઓ ઉપર ડબલ બોજ
કાગળ ઉપર શાળા, હકીકતમાં કોચિંગ | શહેરમાં શિક્ષણનો નવો સ્કેમ ?
-
એક વિદ્યાર્થી, બે એડમિશન
-
એક વિદ્યાર્થી, બે ફી
-
શાળા માત્ર કાગળ પર ?
-
નિયમો ક્યાં ?
-
શિક્ષણ વિભાગ પણ ચૂપ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કાર્યરત કેટલીક ખાનગી કોચિંગ સંસ્થાઓમાં ડમી એડમિશનની પ્રથા ફરી ચર્ચામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના જણાવ્યા મુજબ, કેટલીક કોચિંગ સંસ્થાઓ પાસે ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ ચલાવવાની શાળા તરીકે માન્યતા ન હોવા છતાં તેઓ વિદ્યાર્થીઓને પોતાના કોચિંગમાં સંપૂર્ણ સમય અભ્યાસ કરાવે છે, જ્યારે બોર્ડની ઔપચારિક પ્રક્રિયા માટે અન્ય ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવે છે.
રાજકોટમાં કાર્યરત Allen Academy અંગે પણ આવા આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, સંસ્થા દ્વારા કેટલીક ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવે છે અને તે ઉપરાંત કોચિંગની અલગથી લાખો રૂપિયાની ફી લેવામાં આવે છે. વાલીઓનો આક્ષેપ છે કે એક જ વિદ્યાર્થીના શિક્ષણ માટે તેમને કોચિંગ અને શાળા બંને જગ્યાએ અલગ-અલગ મોટી રકમ ચૂકવવી પડે છે, જેના કારણે શિક્ષણનો ખર્ચ સામાન્ય પરિવાર માટે અસહ્ય બની જાય છે. જો કોઈ વિદ્યાર્થી માત્ર હાજરી પૂરતી જ શાળામાં નોંધાયેલ હોય અને વાસ્તવિક અભ્યાસ સંપૂર્ણપણે અન્યત્ર કરતો હોય, તો તે શિક્ષણ વ્યવસ્થાની ભાવના વિરુદ્ધ ગણાય છે.
જો આવી પ્રથા ચાલી રહી હોય તો સંબંધિત શાળાઓ અને સંસ્થાઓની ભૂમિકા અંગે શિક્ષણ વિભાગે ગંભીરતાથી તપાસ કરવી જરૂરી બને છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર-૨૦૨૫માં ગુજરાત સરકારે ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસો માટે નિયમનકારી કાયદો લાવવાની જાહેરાત કરી હતી. તે માટે ખાસ સમિતિ રચવાની પણ જાહેરાત થઈ હતી, પરંતુ હજુ સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિયમો અમલમાં આવ્યા નથી. પરિણામે કોચિંગ ક્ષેત્રમાં અનેક પ્રશ્નો આજે પણ યથાવત હોવાનું જણાઈ રહ્યું છે.
જો તપાસ દરમિયાન એવું સામે આવે કે કોઈ શાળા માત્ર કાગળ પર વિદ્યાર્થીઓના પ્રવેશ આપી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, તો શિક્ષણ વિભાગે નિયમો મુજબ કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ, રાજ્ય સરકારે કોચિંગ સંસ્થાઓ માટે જાહેર કરેલા નિયમનને ઝડપથી અમલમાં મૂકી વાલીઓ અને વિદ્યાર્થીઓના આર્થિક તથા શૈક્ષણિક હિતોની સુરક્ષા કરવી જરૂરી છે. આ મામલે સત્ય શું છે તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પરંતુ ઉઠેલા પ્રશ્નો એટલા ગંભીર છે કે રાજ્યના શિક્ષણ વિભાગે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરીને હકીકતો જનતા સમક્ષ મૂકવી સમયની માંગ બની છે.