Loading Please Wait !!!
સુરતથી રાજકોટ સુધી ડિમોલિશન પાછળ રૂપિયાકટફટાવવાની ‘ગંધ’?

તંત્રની પારદર્શિતા પર સવાલ; જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવી એ સમયની માંગ છે

  • આ ખર્ચ પાછળનો અસલી ખેલ શું છે ? એ તો ઊંડી તપાસ પછી જ બહાર આવશે

  • સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ કડક રીતે અમલમાં મુકવી જોઈએ

 

  • જન કી બાત - અનિરૂદ્ધ નકુમ

રાજકોટમાં તાજેતરમાં સામે આવેલ ડિમોલિશન ખર્ચનો વિવાદ માત્ર એક શહેર પૂરતો સીમિત મુદ્દો નથી, પરંતુ સમગ્ર શાસનતંત્રમાં ઘૂસી ગયેલી ભ્રષ્ટાચારની ગંભીર સમસ્યાનું પ્રતિબિંબ છે. સુરતમાં થયેલા ડિમોલિશન વિવાદ હજુ શાંત પણ થયો નથી કે રાજકોટમાં વધુ ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જે સામાન્ય જનતાને વિચારવા મજબૂર કરે છે.

જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી માટે રૂ. ૩ કરોડથી વધુનો ખર્ચ દર્શાવતો હિસાબ સામે આવ્યો છે. ખાસ કરીને જમવા-પીવાના ખર્ચના આંકડાઓએ તો સવાલોનો પર્વત ઊભો કર્યો છે. રૂ. ૨૭ લાખના ભોજનમાં કાજુ કતરી, અંજીર-ખજૂર રોલ જેવી વૈભવી વસ્તુઓનો સમાવેશ અને પીવાના પાણી પાછળ રૂ. ૨૩ લાખનો ખર્ચ આ આંકડા સામાન્ય માણસ માટે અસમંજસ અને અવિશ્વસનીય લાગે તે સ્વાભાવિક છે.

ત્રણ દિવસ ચાલેલી ડિમોલિશન પ્રક્રિયામાં બુલડોઝર, ટ્રેક્ટર અને જેસીબી માટે રૂ. ૧.૭ કરોડ તથા વીડિયોગ્રાફી માટે રૂ. ૨૪ લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે શું આ ખર્ચ ખરેખર એટલો જરૂરી હતો કે પછી આ આંકડા પાછળ કોઈ ગડબડ છુપાયેલી છે? આ સમગ્ર ઘટનાક્રમ તંત્રની પારદર્શિતાને લઈને ગંભીર શંકા ઊભી કરે છે.

આ પહેલાં રાજકોટમાં ગેંગઝોનમાં લાગેલી આગ અને ત્યારબાદ થયેલી તપાસમાં પણ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના તત્વો સામે આવ્યા હતા. હવે આ નવા વિવાદે એ જ પ્રશ્ન ફરીથી જીવંત કર્યો છે શું શાસનતંત્રમાં જવાબદારી અને પારદર્શિતા માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે?

જનતામાંથી ઉઠતી માંગ ખૂબ જ સ્પષ્ટ છે. માત્ર રાજકોટ કે સુરત જ નહીં, પરંતુ રાજ્યના તમામ શાસનતંત્રમાં ભ્રષ્ટાચાર સામે "ઝીરો ટોલરન્સ" ની નીતિ કડક રીતે અમલમાં મુકવી જોઈએ. જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા કોન્ટ્રાક્ટરો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવી એ સમયની માંગ છે.

આપો સમય છે જ્યારે સરકારને માત્ર નિવેદન આપવાથી આગળ વધીને કડક પગલાં લેવાની જરૂર છે. પારદર્શિતા, જવાબદારી અને જનવિશ્વાસ આ ત્રણેય તત્વો ફરી સ્થાપિત થાય તે માટે આ કેસ એક કસોટી સમાન બની શકે છે. જો આ મુદ્દે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ નહીં થાય, તો જનતાનો વિશ્વાસ તંત્રમાંથી વધુ ખસી શકે છે.

અંતે, પ્રશ્ન માત્ર ખર્ચનો નથી પ્રશ્ન છે જનતાના પૈસાનો, વિશ્વાસનો અને શાસનની નૈતિકતાનો.. પરંતુ હવે આટલા મોટા બિલમાં કોણ કેટલું ઘર ભરી ગયું હશે એની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ત્યારે જ બહાર આવશે.