સલવારનું નાડું ખેંચવું કે સ્તન દબાવવા એ બળાત્કારનો પ્રયાસ નથી : હાઈકોર્ટના ચુકાદાથી સુપ્રિમ કોર્ટ લાલચોળ
- કોર્ટે સ્પષ્ટ કર્યું : ડ્રેસનું નાડું ખેંચવું, ખોલવાનો પ્રયાસ કરવો અથવા છાતી દબાવવી જેવી હરકતોને માત્ર નહીં પરંતુ દુષ્કર્મના પ્રયાસ તરીકે જોવી જોઈએ
- હાઈકોર્ટના ચુકાદાને અમાન્ય ગણી સુપ્રિમ કોર્ટનો સચાનો ચુકાદો માન્ય રાખ્યો : હાઈકોર્ટના ચુકાદાને ફગાવ્યા
સિટી ન્યૂઝ | નવી દિલ્હી
દેશમાં મહિલાઓ અને બાળકો સામે થતા જાતીય ગુનાઓના કેસોમાં વધુ સંવેદનશીલ અને ન્યાયસંગત અભિગમ અપનાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સલવારનું નાડું ખેંચવું, ખોલવાનો પ્રયાસ કરવો અથવા છાતી દબાવવી જેવી હરકતોને માત્ર 'તૈયારી' નહીં પરંતુ 'દુષ્કર્મના પ્રયાસ' તરીકે જોવી જોઈએ. સાથે જ, નેશનલ જ્યુડિશિયલ એકેડમી (NJA) દ્વારા તૈયાર કરાયેલી જ્યુડિશિયલ સેન્સિટિવિટી ગાઈડલાઈન્સને દેશભરમાં અમલમાં મૂકવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો અલ્હાબાદ અને પટણા હાઈકોર્ટના બે અલગ-અલગ ચુકાદાઓથી ચર્ચામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં સગીરાની સલવારનું નાડું ખોલવાનો પ્રયાસ કરવો અથવા છાતી દબાવવી જેવી હરકતોને માત્ર બળાત્કાર કરવાની 'તૈયારી' ગણાવી હતી અને તેને 'દુષ્કર્મનો પ્રયાસ' માન્યો નહોતો. પટણા હાઈકોર્ટે પણ સમાન અભિગમ અપનાવી એક આરોપી સામે દુષ્કર્મના પ્રયાસની કલમ હેઠળની સજા રદ કરી હતી. આ બંને ચુકાદાઓને લઈને અનેક કાનૂની નિષ્ણાતો અને બાળ અધિકાર સંસ્થાઓએ ગંભીર વાંધો ઉઠાવ્યો હતો.
ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનની ખંડપીઠે બંને હાઈકોર્ટના ચુકાદાઓને સ્પષ્ટપણે ભૂલભરેલા ગણાવ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ આરોપી પીડિતાના કપડાં ઉતારવાનો પ્રયાસ કરે છે અથવા બળજબરીથી શારીરિક હરકતો કરે છે, ત્યારે તે માત્ર તૈયારીના તબક્કે રહેતો નથી, પરંતુ ગુનો કરવાની દિશામાં આગળ વધી ચૂક્યો હોય છે. તેથી આવી હરકતોને 'દુષ્કર્મનો પ્રયાસ' તરીકે જ ગણવી જોઈએ. કોર્ટે આરોપીઓ સામે પોક્સો એક્ટ અને સંબંધિત કાયદા હેઠળના આરોપો અને સજાને ફરીથી બહાલ કરી હતી.
ન્યાયિક ભાષા અને પોલીસની કામગીરી માટે નવી ગાઈડલાઈન્સ સુપ્રીમ કોર્ટે માત્ર કાનૂની મુદ્દા પર જ નહીં, પરંતુ કોર્ટોમાં વપરાતી ભાષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું કે યૌન ગુનાઓના કેસોમાં પીડિત મહિલાઓ અને બાળકો પ્રત્યે અસંવેદનશીલ અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ ટાળવો જરૂરી છે. આ માટે નેશનલ જ્યુડિશિયલ એકેડમી દ્વારા તૈયાર કરાયેલી ગાઈડલાઈન્સને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ તમામ હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, કાયદા વિભાગો, ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન અને પોલીસ તંત્ર સુધી આ માર્ગદર્શિકા પહોંચાડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી એફઆઈઆર નોંધવાથી લઈને ચાર્જશીટ દાખલ કરવા સુધી પીડિતની ગરિમા જળવાઈ રહે.
બાળ અધિકારો માટે કાર્ય કરતી સંસ્થાઓ અને કાનૂની નિષ્ણાતોએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમના મતે, આ ચુકાદા બાદ યૌન ગુનાઓના કેસોમાં કાયદાની વધુ સ્પષ્ટ અને સંવેદનશીલ રીતે વ્યાખ્યા થશે. સાથે જ, પીડિત મહિલાઓ અને બાળકોને કોર્ટ પ્રક્રિયા દરમિયાન માનસિક યાતના કે અપમાનજનક ટિપ્પણીઓનો સામનો ઓછો કરવો પડશે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી દેશની ન્યાય વ્યવસ્થામાં પીડિત કેન્દ્રિત અભિગમ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં આવા કેસોમાં વધુ અસરકારક ન્યાય મળી શકશે.