Loading Please Wait !!!
આર્થિક એલર્ટ; મોંઘવારી કાબૂ બહાર જનતા બેહાલ; તહેવારો બગડશે ?

 

  • કિચનમાં ક્રાઈસિસ : જથ્થાબંધ મોંઘવારી 44 મહિનામાં સૌથી વધુ
  • બટાકા, આદુ, તેલ, શાકભાજી, જીરૂ, ફૂટ, દૂધ, ઘી, કઠોળ, તમામ જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને
  • પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવ વધારાથી મધ્યમવર્ગનું બજેટ વેર વિખેર

સિટી ન્યૂઝ | નવી દિલ્હી

જૂનમાં જથ્થાબંધ મોંઘવારી (WPI) વધીને ૯.૮૭% પર પહોંચી ગઈ છે. આ પહેલા મે મહિનામાં તે ૯.૬૮% પર હતી. જૂનમાં મોંઘવારી ૪૪ મહિનામાં સૌથી વધુ છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં તે ૧૦.૭૦% પર પહોંચી ગઈ હતી. વાણિજ્ય મંત્રાલયે આજે એટલે કે ૧૪ જુલાઈએ જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે. મોંઘવારી વધવાનું કારણ રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ અને ખાવા-પીવાની ચીજો જેવી કે અનાજ, શાકભાજી પણ મોંઘા થયા છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરી મહિનાથી તણાવ છે. જો સ્થિતિ સામાન્ય ન થઈ તો મોંઘવારી વધુ વધી શકે છે.

જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહેવાથી મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. સરકાર ફક્ત ટેક્સ દ્વારા WPIને નિયંત્રિત કરી શકે છે.

જેમ કે, ફૂડ ઓઈલમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સ કપાત એક મર્યાદામાં જ ઓછી કરી શકે છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનનું વધુ વેઈટેજ હોય છે.

ભારતમાં બે પ્રકારની મોંઘવારી હોય છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજી જથ્થાબંધ મોંઘવારી હોય છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. તેને કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પણ કહેવાય છે. જ્યારે, હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI)નો અર્થ એવી કિંમતોથી થાય છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલે છે.

મોંઘવારી માપવા માટે અલગ-અલગ વસ્તુઓને સામેલ કરવામાં આવે છે. જેમ કે જથ્થાબંધ મોંઘવારીમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો ૬૩.૭૫%, પ્રાઈમરી આર્ટિકલ જેમ કે ફૂડ ૨૨.૬૨% અને ફ્યુઅલ એન્ડ પાવર ૧૩.૧૫% હોય છે. જ્યારે, રિટેલ મોંઘવારીમાં ફૂડ અને પ્રોડક્ટની ભાગીદારી ૪૫.૮૬%, હાઉસિંગ ૧૦.૦૭% અને ફ્યુઅલ સહિત અન્ય વસ્તુઓની પણ ભાગીદારી હોય છે.

સિંગતેલના ડબ્બે રૂપિયા 50નો ભાવ વધારો આગામી સમયમાં આવી રહેલા મોટા તહેવારો પૂર્વે જ મધ્યમવર્ગીય પરિવારો પર મોંઘવારીનો આકરો કોરડો વીંઝાયો છે. રસોડાના મુખ્ય આધાર સમાન ખાધતેલોના ભાવ આસમાને પહોંચી ગયા છે. બજારના વેપારીઓ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ખાધતેલોના ભાવમાં થયેલા આ અણધાર્યા વધારા પાછળ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. ચાલુ વર્ષે જોવા મળેલું અનિયમિત ચોમાસું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિને કારણે તેલની માંગ અને પુરવઠાનું આખું ગણિત ખોરવાઈ ગયું છે. માગમાં અચાનક થયેલા મોટા ફેરફારને કારણે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયા ૫૦નો તોતિંગ ઉછાળો આવ્યો છે. આ વધારા સાથે હવે બજારમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૮૦૦ની ઐતિહાસિક સપાટીને પાર કરી ગયો છે. માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ મધ્યમવર્ગના પરિવારોમાં રોજિંદા વપરાશમાં લેવાતા અન્ય ખાધતેલોમાં પણ ભાવવધારો ઝીંકાયો છે.

સિંગતેલની પાછળ-પાછળ કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયા ૩૦નો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત ગરીબ અને શ્રમિક વર્ગમાં વધુ વપરાતા પામોલીન તેલમાં રૂપિયા ૧૫ અને સૂર્યમુખી તેલના ભાવમાં રૂપિયા ૨૦નો ભાવ વધારો નોંધાયો છે. આટલું ઓછું હોય તેમ, મીઠાઈ અને ફરસાણમાં વપરાતું વનસ્પતિ ઘી અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વપરાતું કોપરેલ તેલ પણ મોંઘું થતા લોકોની મુશ્કેલીઓ બેવડાઈ છે. હાલમાં એકતરફ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવવધારાથી જનતા ઓલરેડી ત્રાહિમામ પોકારી ગઈ છે, તો બીજીતરફ ચોમાસાની સિઝનમાં તિલા શાકભાજીના ભાવ પણ સાતમા આસમાને પહોંચ્યા છે. આવા કપરા સમયે ખાધતેલો અને ઘીમાં થયેલા આ તોતિંગ ભાવવધારાને પગલે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે પોતાના ઘરનું માસિક બજેટ જાળવવું અત્યંત મુશ્કેલ બન્યું છે.