Loading Please Wait !!!
રાજકોટમાં ‘સીરપ માફિયા’ બેફામ 6 મહિનામાં કોડવર્ડ બદલાયો, ધંધો યથાવત!

  • મવડીમાં નશાનો કાળો કારોબાર જૈસે થે !
  • રાજકોટમાં ‘સીરપ માફિયા’ બેફામ
  • 6 મહિનામાં કોડવર્ડ બદલાયો, ધંધો યથાવત!
  • અગાઉ બહારની પોલીસ એક્શનમાં આવી હતી, સ્થાનિક તંત્ર સાયલન્ટ

સિટી ન્યૂઝ@રાજકોટ

રંગીલું રાજકોટ હવે નશાના રવાડે ચડી રહ્યું હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો ફરી સામે આવ્યા છે. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ એક મેડિકલ સ્ટોર પર નશાકારક સિરપ અને ગોળીઓનો વેપલો બેરોકટોક ચાલુ હોવાનો પર્દાફાશ થયો છે. નવાઈની વાત એ છે કે, તંત્રની રહેમનજર હેઠળ માત્ર ૬ મહિનામાં આ કાળા કારોબારનો 'કોડવર્ડ' બદલાઈ ગયો છે, પણ પાપનો આ ધંધો બંધ થયો નથી.

છ મહિના પહેલાં જ્યારે આ જ વિસ્તારમાં નશાનો વેપાર ચાલતો હતો, ત્યારે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં હતું. છેક બહારના રાજ્યની પોલીસે આવીને અહીં દરોડા પાડ્યા અને સપાટો બોલાવ્યો હતો. એ સમયે 'સિટી ન્યૂઝ' દ્વારા અહેવાલ પ્રકાશિત કરીને તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કરાયો હતો.

ત્યારબાદ FDCA (ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન)ની નવી ટીમ આવી. આશા હતી કે નવી ટીમ કડક પગલાં લેશે, પરંતુ આ નવી ટીમ પણ કામ બતાવવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ચર્ચા તો એવી પણ છે કે તંત્રને માત્ર 'વહીવટ' (કવાડિયા) કરવામાં જ રસ છે, રાજકોટનું યુવાધન ભલે નશાની ગર્તામાં ધકેલાઈ જાય!

6 મહિના પહેલાં બહારની પોલીસે સપાટો બોલાવ્યો હતો, છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં!

તાજેતરમાં જ મવડી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જે તંત્રની કામગીરી સામે આંગળી ચીંધે છે. ૬ મહિના પહેલાં જે નશાનો સામાન 'એસપી' અને '૧૦' ના કોડવર્ડથી વેચાતો હતો, તે કોડવર્ડ હવે બદલીને 'ટીકડા' કરી નાખવામાં આવ્યો છે.

હાલ બજારમાં ગોળીઓની અછત હોવાને કારણે 'ટીકડા'ના નામે ગ્રાહકોને નશાકારક સીરપ પધરાવવામાં આવી રહી છે. આ એવી સીરપ છે જેમાં 'કોડિન' (Codeine) નું પ્રમાણ અત્યંત વધારે હોય છે, જે સીધું મગજ પર અસર કરે છે. નશડીઓ જ્યારે મેડિકલ સ્ટોર પર જઈને કહે કે “બોટલ આપો”, એટલે તરત જ ૩૦૦ રૂપિયામાં ૧૦૦ ml ની નશાકારક સીરપ હાથમાં પધરાવી દેવાય છે.