શાળાના બાળકોને બનાવ્યા સર્વિસ બોય
- નાટક: એક તરફ પ્રવેશોત્સવ બીજી તરફ શ્રમોત્સવ !
- કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો’તો
- વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પાસે શરબતનું વિતરણ, ગુંગણ, ખુરશી સહિતની વસ્તુઓ ઉપડાવી હતી
સિટી ન્યૂઝ@રાજકોટ
બેટી ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પાસે મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પાસે શરબત તેમજ પાણી પીરસાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પાસે પ્રવેશોત્સવનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુંગણ, ખુરશી સહિતની વસ્તુઓ પણ ઉપડાવવામાં આવી હતી. ૨૩ જૂન ૨૦૨૬ના રોજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયા પણ હાજર હતા. રાજકોટ સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મંગળવારે રાજકોટના કુવાડવા અને બેટી ગામની સરકારી શાળાઓમાં વીઆઈપી કલ્ચરની અત્યંત શરમજનક અને વરવી વાસ્તવિકતા સામે આવી છે. શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જે બાળકોને સ્ટેજ પર શૈક્ષણિક કિટ આપીને આવકાર્યા હતા, તે જ બાળકોને મંત્રીજીની હાજરીમાં જ બાળકોના હાથમાં મહેમાનોને ઠંડું પીરસવા માટેની ટ્રે પકડાવી વેઈટર બનાવી દીધા હતા! અને ખુરશીઓ ઉપડાવી શિક્ષણ જગતને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.