ગુજરાતી ફિલ્મ સરગમને દર્શકોનો જંગી પ્રતિસાદ, 4 સ્ક્રીન હાઉસફુલ
મેહુલ રવાણીની જહેમતથી આયોજિત કાર્યક્રમમાં ફિલ્મની ટીમને ઉષ્માભર્યો આવકાર મળ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે અને તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવ, ભરોસો અને ભાઈબંધીના સુંદર સંબંધોને ઉજાગર કરતી આ ફિલ્મ આજે દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂકી છે. તાજેતરમાં "સોમવાર સરગમવાર" ના અનોખા આયોજન અંતર્ગત સિનેપોલિસ ખાતે ૮૦૦ થી વધુ દર્શકોએ એકત્રિત થઈને ફિલ્મ સરગમ અને તેના કલાકારોને હૃદયપૂર્વક વધાવી લીધા હતા. દર્શકોના આ અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે સિનેપોલિસની ચારેય સ્ક્રીન સંપૂર્ણપણે હાઉસફુલ રહી હતી.
આ ખાસ પ્રસંગે ફિલ્મના લેખક અને મુખ્ય અભિનેતા હર્ષલ માંકડ ડૈયાન, અભિનેતા હર્ષિત ડેબર અને નિર્માતા યોગીરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે દિગ્દર્શક નીલેશ ચોવટીયા, ક્રિએટિવ હેડ ઉદય જાદવાની તેમજ અન્ય કલાકારો ચેતસ ઓઝા, ભાવિક દોષી, હર્ષ ગઢિયા અને યજ્ઞેશ મહેતાએ પણ હાજરી આપી હતી.
દર્શકોએ તમામ કલાકારો અને ટીમના સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે યાદગાર ક્ષણો માણી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અરિહંત ઈન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણીએ વિશેષ જહેમત ઉઠાવી હતી, જેના માટે ફિલ્મ ટીમે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સિનેપોલિસ ખાતે ચારેય સ્ક્રીન હાઉસફુલ થવી અને એકસાથે ૮૦૦ થી વધુ દર્શકોની હાજરી એ સાબિત કરે છે કે સરગમ આજે ગુજરાતી સિનેમાની એક માઈલસ્ટોન ફિલ્મ બની રહી છે. લોકો તેને માત્ર મનોરંજન માટે જોઈ જ નથી રહ્યા, પરંતુ દિલથી અપનાવી પણ રહ્યા છે. દર્શકોનો એક જ અવાજ બની ગયેલી આ ફિલ્મને મોટા સમૂહમાં જોવા માટે બલ્ક બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રસ ધરાવતા દર્શકો બલ્ક બુકિંગ માટે ૭૯૮૪૮ ૨૧૦૪૪ નંબર પર સંપર્ક કરી શકે છે.