સાંસદ માનસિંહ પરમાર ઉનામાં: ગીર સોમનાથને 6 વર્ષ બાદ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળ્યું
» ભાજપના વ્યૂહાત્મક નિર્ણય પાછળ ભવિષ્યના સીમાંકનના સમીકરણોની ચર્ચા
સીટી ન્યૂઝ@કમલેશ જુમાણી–ઉના
રાજ્યસભામાં નવનિવાર્ચિત સાંસદ તરીકે માનસિંહભાઈ પરમાર આજે પ્રથમ વખત ઉના પંથકની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઈને ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાને છ વર્ષ બાદ ફરી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળતાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી વ્યાપી છે.
રાજકીય વર્તુળોમાં માનસિંહ પરમારની પસંદગી પાછળ ભાજપની લાંબા ગાળાની વ્યુહરચનાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જૂનાગઢ–ગીર સોમનાથ લોકસભા બેઠકના ભવિષ્યમાં સંભવિત સીમાંકનને ધ્યાનમાં રાખીને પક્ષે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આગામી સમયમાં ગીર સોમનાથને અલગ લોકસભા બેઠક મળવાની સંભાવનાઓ વચ્ચે નવા નેતૃત્વને તૈયાર કરવાનો પ્રયાસ પણ આ નિર્ણય પાછળનું એક કારણ ગણાય છે.
વર્ષ ૨૦૨૨ની સોમનાથ વિધાનસભા ચૂંટણીમાં નજીવા અંતરે પરાજય છતાં માનસિંહ પરમારે જનસેવાના કાર્યો ચાલુ રાખ્યા હતા. તેમની સક્રિયતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને પક્ષના વરિષ્ઠ નેતાઓએ પણ વખાણી હતી. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે રાજ્યસભામાં તેમની પસંદગી ગીર સોમનાથ વિસ્તારમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.