Loading Please Wait !!!
સાળંગપુરમાં દાદાને નાળિયેરનો શણગાર


» પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો

» પારિવારિક શાંતિ અર્થે 15 જૂન સુધી હનુમાન ચાલીસા યજ્ઞ યોજાશે

સિટી ન્યૂઝ@સાળંગપુર

વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર" ની વિશેષ સેવા અંતર્ગત ૩૦ મે ૨૦૨૬, શનિવારના રોજ દાદાને અત્યંત આકર્ષક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શનિવારે દાદાને ચાંદીનો મુકુટ પહેરાવી, મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરાયો હતો અને દાદાના ચરણોમાં ૧૦૮ કિલો શુદ્ધ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

શનિવારના દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ દાદાના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી.

મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર, આ પવિત્ર અધિકમાસ નિમિત્તે સર્વે ભક્તોના જીવનમાં પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે અર્થે મંદિરના વિશાળ પટાંગણમાં એક વિશેષ 'શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ' અને મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ ગત ૧૭ મે થી શરૂ થયો છે અને આગામી ૧૫ જૂન ૨૦૨૬ સુધી સતત ચાલશે. યજ્ઞનો સમય દરરોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર પછી ૩:૦૦ થી સાંજના ૬:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આહુતિ આપી રહ્યા છે.