રાજકોટ મહાપાલિકા કાયમી અધિકારી નહીં; ઈન્ચાર્જથી શહેરનો વિકાસ રૂંધાયો !
ઈન્ચાર્જ રાજ = વિકાસનો વિનાશ ! શહેર ભોગવે છે ખામી
-
2027માં RMCમાં 25થી અનુભવી અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે
-
મનપામાં ‘ટેમ્પરરી ચાર્જ’ નવા શાસન સામે મોટો પડકાર
2027માં નવા પગાર પંચના અમલ બાદ અનેક અધિકારીઓ રાજીનામું આપવાનો પ્લાન તૈયાર છે ?
પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ ત્રણવાર રાજીનામું આપ્યું : નામંજૂર
રાજકોટ મહાપાલિકામાં પર્યાવરણ ઇન્ચાર્જ ઇજનેર પ્રજેશ સોલંકીએ છેલ્લા એક વર્ષમાં ૩ વાર રાજીનામું આપી દીધું હતું પણ એક પણ વાર તેનુ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી રાજીનામું દેવાનું કારણ શું તે હજુ સુધી બહાર આવ્યું નથી. પણ સતત કામના પ્રેશરથી રાજીનામું આપી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નિમણૂંક કેમ અટકી કાર્યવાહી પૂર્ણ થઈ છે
મનપાના પર્યાવરણ ઈજનેરની ભરતી પ્રક્રિયાની જાહેરાત બહાર થઈ ગઈ છે ઉમેદવારોના ડોક્યુમેન્ટ પણ વેરિફાય થઈ ગયા છે છતાં હજુ સુધી નિમણૂંક કરવામાં આવી નથી.
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં હાલમાં અનેક મહત્વના પદો ઇન્ચાર્જ આધારે ચાલતા હોવાના કારણે શહેરના વિકાસ પર બ્રેક લાગી ગયો છે. જે ગતિએ વિકાસ કામો થવા જોઈએ તે ઈચ્છાશક્તિના અભાવ અને કાયમી નિમણૂંકના અભાવે અટકી ગયા છે.
મહાપાલિકામાં પર્યાવરણ ઈજનેર, સિટી એન્જિનિયર, સહાયક કમિશનર, ડાયરેક્ટર IT અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DMC) જેવા અગત્યના પદો આજે પણ ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે છે. જેના કારણે મોટા નિર્ણયો લેવામાં વિલંબ થાય છે અને વહીવટ અસરગ્રસ્ત બને છે.
સામાન્ય રીતે કોઈપણ શહેરનો વિકાસ ત્યારે જ ગતિ પકડે છે જ્યારે મહત્વના પદો પર કાયમી અને જવાબદાર અધિકારીઓની નિમણૂંક થાય. પરંતુ રાજકોટમાં વર્ષોથી ઇન્ચાર્જ સિસ્ટમ ચાલતા હોવાના કારણે વિકાસ કામોમાં ગતિ આવતી નથી.
શહેરના વિકાસ માટે જરૂરી પ્રોજેક્ટ, પ્લાનિંગ અને અમલમાં આ સ્થિતિ મોટી અડચણ બની રહી છે. નાગરિકો પણ હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આટલા મોટા શહેરનો વહીવટ ઇન્ચાર્જ પર કેમ ચાલે છે?
હાલમાં નવું શાસન આવતાં લોકોમાં આશા જગાઈ છે કે મેયર આ મુદ્દાને ગંભીરતાથી લેશે અને ખાલી પદો પર કાયમી નિમણૂંક કરશે. જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે, તો રાજકોટનો વિકાસ વધુ પાછળ ધકેલાઈ શકે છે.