Loading Please Wait !!!
ખોરાકમાં ઝેર ? મેયર મેદાને, ભેળસેળખોરોને ‘આતંકી’ ગણાવ્યા...

  • ગુડ વર્ક મેયર; નેહલ શુક્લનું મેગાડ્રાઈવ એલાન
  • રાજકોટમાં ફૂડ ભેળસેળખોરો સાવધાન 1 વર્ષ સુધી દરરોજ મેગાડ્રાઈવ શરૂ, કોઈને છોડાશે નહીં

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા ખુદ મેયર મેદાનમાં ઉતર્યા છે. અને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડાં કરતા તત્વો સામે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લએ ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ અને ઉત્પાદન કરતા લેભાગુ તત્વોને આતંકીઓ સાથે સરખાવ્યા છે. અને ખુલ્લી ચેતવણી પણ આપી છે. કે શહેરમાં આજથી જ પૂરા ૧ વર્ષ માટે એક વ્યાપક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત હવેથી શહેરના તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાશે. જે કોઈ સ્થળે ભેળસેળ થતી હોવાનું સામે આવશે તે બધા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટને સંપૂર્ણ ભેળસેળમુક્ત બનાવવાનો અને નાગરિકોને શુદ્ધ આહાર પૂરો પાડવાનો હોવાનો દાવો મેયરે કર્યો છે.

મેયર ડો. નેહલ શુક્લએ ભેળસેળિયા તત્વો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની સરખામણી સીધી આતંકીઓ સાથે કરી દીધી હતી. તેમણે કડક શબ્દોમાં વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય કે જિંદગી સાથે રમત રમીને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો કોઈ આતંકી ષડયંત્ર જેટલું જ મોટું પાપ કરી રહ્યા છે. આ પ્રકારની રાષ્ટ્રવિરોધી અને માનવતાવિરોધી પ્રવૃત્તિ હવે ચલાવી લેવામાં નહીં આવે. આગામી ૧ વર્ષ સુધી RMC નો ફૂડ વિભાગ કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના સતત કડક કાર્યવાહી ચાલુ રાખશે, જેથી આવા તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય.

આ મેગા ડ્રાઈવને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા મુખ્યત્વે ૩ કેટેગરીમાં વહેંચણી કરીને સમગ્ર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત માત્ર હોટલ કે રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ તૈયાર ખાધ ખોરાકથી લઈને રોજિંદા વપરાશના અનાજ સુધીના તમામ નાના-મોટા વેપારીઓને ત્યાં નમૂના લેવામાં આવશે. ઉપરાંત, ભૂતકાળમાં સેમ્પલના રિપોર્ટ આવવામાં થતા વિલંબને નિવારવા માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ ખુબ જ ઝડપથી નમૂનાનું પરિક્ષણ (ટેસ્ટિંગ) થાય અને તેનો રિપોર્ટ ત્વરિત જાહેર થાય તે માટેની વિશેષ વહીવટી કાર્યવાહી અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી ગુનેગારો સામે ઝડપથી કાયદાકીય સકંજો કસી શકાય., મહાનગરપાલિકાની આ લડત માત્ર તંત્ર પૂરતી સીમિત ન રહેતા લોકભાગીદારી વધે તે માટે મેયર દ્વારા રાજકોટની જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવી છે.

તેમણે નાગરિકોને આહ્વાન કર્યું છે કે જો તેમની આસપાસ કે શહેરમાં ક્યાંય પણ ભેળસેળ કરતા લેભાગુ તત્વો સક્રિય હોય અથવા તો ખોરાકમાં ભેળસેળ થતી હોવાની કોઈ શંકાસ્પદ માહિતી મળે, તો તુરંત જ તેની જાણ RMC ના તંત્રને કરવામાં આવે. લોકો દ્વારા આપવામાં આવતી માહિતીના આધારે તંત્ર દ્વારા તાત્કાલિક દરોડા પાડીને કડક પગલાં ભરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓ પોતાના વધુ નફા માટે જાણી-અજાણી રીતે ભેળસેળ કરીને દરેક પરિવારના નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના તમામ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, જે એક રીતે નાનું આતંકવાદી કાવતરું કે એટેક સમાન જ છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે અને આ ભેળસેળને અટકાવવા માટે માત્ર ૧૫ દિવસ કે ૧ મહિનો નહીં, પરંતુ આખું વર્ષ આ એન્ટી ડ્રાઈવ (ઝુંબેશ) ચલાવવામાં આવશે. આરોગ્ય વિભાગ અને તેની સાથે સંકળાયેલા અન્ય વિભાગો દ્વારા આ મામલે ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે. જેમાં સ્થળ પર જ દંડ કરવાથી લઈને દુકાનો સીલ કરવા સુધીની તમામ કાયદાકીય કાર્યવાહીઓનો સમાવેશ થાય છે. મેયર ડો. નેહલ શુક્લ મીડિયાના માધ્યમથી આવા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી અને વિનંતી કરતા કહ્યું છે કે, તેઓ આ ભેળસેળ અટકાવે, કારણ કે આ એક ખૂબ જ ખરાબ ટ્રેન્ડ છે અને તેમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર આવું ખાતા જ હશે.