Loading Please Wait !!!
રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટના 5 કર્મચારીઓનું સન્માન

 

સીટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનારા પાંચ કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફરજ દરમિયાન અસાધારણ સતર્કતા અને જવાબદારી દાખવવા બદલ આ કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા.

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ સન્માનિત કર્મચારીઓમાં હાપા લોકો પાયલટ નવીન કુમાર, સુનીલ કુમાર સિંહ, દિલીપ ગોહિલ, દ્વારિકા પ્રસાદ તેમજ રાજકોટ હેડક્વાર્ટર સિંઘલ વિભાગના કાનાભાઈ પી. એમસીએફનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૬ દરમિયાન આ કર્મચારીઓએ ફરજ દરમિયાન વિવિધ તકનીકી ખામીઓ સમયસર શોધી કાઢી હતી. માલગાડીના વેગનમાં નકલ પિન (Knuckle Pin) તૂટી ગયાની ખામી ધ્યાનમાં આવતા તાત્કાલિક સગવડતા કરાવી સંભવિત અકસ્માત અટકાવવામાં આવ્યો હતો. અન્ય એક ઘટનામાં રેલવે ટ્રેક પર લગાવવામાં આવેલ ટીઆરડી (TRD) નું Z-બોન્ડ અજાણ્યા શખ્સ દ્વારા દૂર કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતાં કર્મચારીઓએ તેને ફરી યોગ્ય સ્થાને સ્થાપિત કરી ટ્રેક સર્કિટને સામાન્ય સ્થિતિમાં લાવી હતી. ત્યારબાદ આરપીએફ અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરી ટ્રેકને સુરક્ષિત રીતે ફરી શરૂ કરાયો હતો.

DRM ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સન્માનિત કર્મચારીઓની સતર્કતા, ઝડપી નિર્ણય ક્ષમતા અને કર્તવ્યનિષ્ઠા સમગ્ર ડિવિઝન માટે પ્રેરણાદાયી છે. રેલવે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના પ્રયાસોમાં તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રમેશ ચંદ્ર મીના, સિનિયર ડિવિઝનલ સિંઘલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર પંકજ કુમાર બંસલ તથા સિનિયર ડિવિઝનલ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર મનોજ કુમાર રાવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.