વાલ્વમેનને 5 હજારથી 35 હજાર સુધીના હાઈરાઈઝ બિલ્ડીંગો હપ્તા ચૂકવે છે ?
- રાજકોટમાં પાણી કૌભાંડમાં RMC તંત્ર જ પાણી ચોરીમાં સંડોવાયું ?
- પ્રજાને 20 મિનિટ પાણી, સાધુ-વાસવાણી રોડ ઉપર હાઈરાઈઝ બિલ્ડિંગોમાં બે કલાક વાલ્વ ચાલુ રાખવાના 5 હજાર 12 કલાકના 35 હજારનો મહિને હપ્તો!
- મહાપાલિકાની હદ પાર; ગરીબોની તરસ છીનવી અમીરોને પૈસાથી 24 કલાક પાણીની રેલમછેલ
- વોટર માફિયાનું વાલ્વમેનથી અધિકારીઓ સુધી સેટિંગ ?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. શહેરમાં પાણી ચોરી રોકવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવા છતાં, સવાલ એ ઊભો થાય છે કે પાણી ચોરી કરનારાઓ સામે કાર્યવાહી પૂરતી છે કે પછી પાણી ચોરી કરાવનારા મોટા માથાઓ સુધી હાથ પહોંચશે?
ભાજપે સત્તા સંભાળ્યા બાદ જાગૃત મેયર નેહલભાઈ શુક્લ અને તેમની ટીમ દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જવાબદારી નક્કી કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા ૧૫ દિવસથી પાણી ચોરી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી માટે અધિકારીઓને સત્તા આપવામાં આવી છે, છતાં તંત્રની અંદર જ ભ્રષ્ટાચારના સળિયા ઘૂસી ગયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના પોશ વિસ્તારોમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં પાણીની અછત ન સર્જાય તે માટે વાલ્વમેનને રૂ. ૫,૦૦૦ થી લઈ રૂ. ૩૫,૦૦૦ સુધીના હપ્તા ચૂકવવામાં આવે છે. આ ગેરકાયદે વ્યવહાર માત્ર નીચલા સ્તર સુધી સીમિત નથી, પરંતુ આ રકમ ઉપરના અધિકારીઓ સુધી પહોંચતી હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે.
ખાસ કરીને સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ચોરીનો ગોરખધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. એક બાજુ ગરીબ વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પણ પૂરતું મળતું નથી, જ્યારે બીજી બાજુ શ્રીમંત વિસ્તારોમાં ગેરરીતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કહેવત મુજબ "ગરીબના ઘરમાં તેલનો ટીપો નહીં અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા" જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે તંત્ર પોતે જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું હોય તો તપાસ સમિતિઓ શું કામની? માત્ર દેખાવ માટેની કાર્યવાહીથી કંઈ બદલાવ આવવાનો નથી. સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે માત્ર નાની માછલીઓને નહીં, પરંતુ પાણી ચોરી કરાવનારા મોટા માથાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વિજિલન્સ તપાસની જગ્યાએ જો હાઈરાઈઝ બિલ્ડિંગોમાં અચાનક જનતા રેડ કરવામાં આવે તો વોટર વર્ક શાખાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે.
જો સમયસર કડક અને પારદર્શક પગલાં લેવામાં નહીં આવે, તો રાજકોટ મહાનગરપાલિકાનું આ ભ્રષ્ટ તંત્ર જંગલેશ્વરની કાજુ કતરી કરતા પણ વધારે "મીઠું" બની જશે જ્યાં બધાને ફાયદો, પણ સામાન્ય નાગરિકને ન્યાય નહીં.