શહેરની 24 આંગણવાડીઓમાં મુથુટ ફાઇનાન્સ દ્વારા રમકડાંનું વિતરણ
સિટી ન્યૂઝ@રાજકોટ: મહાનગરપાલિકાના આઈસીડીએસ (ICDS) અર્બન શાખાના વેસ્ટ ઝોન આંબેડકરનગર સેજામાં સ્વ. એમ. જી. જ્યોર્જ મુથુટની સ્મૃતિમાં મુથુટ ફાઇનાન્સ કંપની દ્વારા સીએસઆર (CSR) એક્ટિવિટી અંતર્ગત એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આંબેડકરનગરની કુલ 24 આંગણવાડીઓના બાળકો માટે 13,000 રૂપિયાની કિંમતની રમકડાંની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 12 ના પૂર્વ મેયર અને વર્તમાન કોર્પોરેટર પ્રદીપભાઈ ડવ, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, બાળ વિકાસ અધિકારી પૂજાબેન જોષી, મુખ્ય સેવિકા ભવ્યતાબેન પરમાર તથા મુથુટ ફાઈનાન્સના ઝોનલ મેનેજર સહિત અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંબેડકરનગર સેજાની તમામ 24 આંગણવાડીની કાર્યકર બહેનોને રમકડાંની કીટ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે કોર્પોરેટર પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે. મુથુટ ફાઈનાન્સ જેવી પ્રતિષ્ઠિત કંપની જ્યારે આંગણવાડીના બાળકોના વિકાસ માટે આગળ આવે છે ત્યારે સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે. આ રમકડાંથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે અને તેઓ આંગણવાડી તરફ વધુ આકર્ષાશે.