Loading Please Wait !!!
રાજકોટ બનશે ભારતનું પ્રથમ 15 મિનિટ યોગા સિટી

નિવારક આરોગ્ય સંભાળ તરફ ઐતિહાસિક કદમ

નાગરિકોને પોતાના ઘરથી માત્ર 15 મિનિટના અંતરે 365 દિવસ સર્વગ્રાહી યોગની તાલીમ મળશે, GISથી જોડાણ

સીટી ન્યૂઝ@રાજકોટ

વિશ્વ યોગ દિવસની ઉજવણીને માત્ર એક દિવસીય ઔપચારિક કાર્યક્રમ પૂરતો સીમિત ન રાખતા, રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ રાજકોટને ભારતનું પ્રથમ "૧૫ મિનિટ યોગા સિટી" બનાવવાનો ઐતિહાસિક અને દૂરંદેશીપૂર્ણ સંકલ્પ કર્યો છે. મેયર ડો. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસમીટમાં જણાવાયું હતું કે, નાગરિકોને પોતાના ઘરથી માત્ર ૧૫ મિનિટના ચાલવા કે સાઇકલિંગના અંતરે વર્ષના તમામ ૩૬૫ દિવસ નિઃશુલ્ક યોગ તાલીમ પૂરી પાડવા માટે RMC અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે પ્રચલિત '૧૫-મિનિટ સિટી' (જ્યાં તમામ જરૂરી સુવિધાઓ નજીકમાં જ ઉપલબ્ધ હોય) ના શહેરી આયોજનના મોડેલને RMC એ નાગરિકોની સુખાકારી અને પ્રિવેન્ટિવ હેલ્થકેર (નિવારક આરોગ્ય સંભાળ) સાથે જોડીને સમગ્ર દેશને એક નવો રાહ ચિંધ્યો છે. આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત શહેરના અલગ-અલગ વોર્ડમાં આવેલા બગીચા, કોમ્યુનિટી હોલ અને અન્ય જાહેર સ્થળો મળીને કુલ ૪૧૯ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આ કેન્દ્રો પર ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યોગ શિક્ષકોની નિમણૂક કરાશે, જેથી નાગરિકોને વૈજ્ઞાનિક ઢબે અને સુરક્ષિત રીતે યોગ શીખવા મળે, આ તમામ યોગ કેન્દ્રોને જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS) આધારિત સ્માર્ટ સિટી પોર્ટલ સાથે ડિજિટલી સંકલિત કરવામાં આવશે. આ ટેકનોલોજીના ઉપયોગથી નાગરિકો પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર પર ઓનલાઈન પોર્ટલ મારફતે નજીકના કેન્દ્રનું ચોક્કસ લોકેશન, ત્યાં ચાલતા યોગ ક્લાસનો સમય અને ઈન્સ્ટ્રક્ટરની વિગતો આંગળીના ટેરવે ખૂબ જ સરળતાથી જાણી શકશે. આનાથી મોંઘા જીમ કે ક્લાસીસમાં જવાને બદલે લોકો પોતાના ઘરઆંગણે જ સ્વાસ્થ્ય મેળવી શકશે.

21 જૂને રેસકોર્સમાં મેગા યોગ ઈવેન્ટ અને મહિલાઓ માટે થેરાપ્યુટિક ‘એક્વા યોગ’ નું વિશેષ આયોજન

આગામી ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સવારે ૬:૦૦ કલાકે રાજકોટના હાર્ડ સમાન રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ અને ભવ્ય યોગ કાર્યક્રમ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને હજારો નગરજનો ઉમટી પડશે. આ ઉપરાંત સવારે ૮:૦૦ કલાકે લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે ગાત્ર મહિલા માટે 'એક્વા યોગ' (પાણીમાં કરવામાં આવતા યોગ) નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે સાંધાના દુખાવા અને સ્નાયુઓની જકડતા દૂર કરવા માટે ઉત્તમ થેરાપી મનાય છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકો RMC ની સત્તાવાર વેબસાઈટ પર અગાઉથી રજીસ્ટ્રેશન કરી શકશે અને કાર્યક્રમ સ્થળે ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને પોતાનું ડિજિટલ પાર્ટિસિપેશન સર્ટિફિકેટ તરત જ મેળવી શકશે, જે ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રોત્સાહનરૂપ બની રહેશે.

દિગ્ગજ આગેવાનોની ઉપસ્થિતિ અને સર્વાંગી સ્વાસ્થ્યના લાભ

આ મેગા યોગ ઈવેન્ટમાં રાજકીય અને વહીવટી નેતૃત્વની પ્રતિબદ્ધતા દર્શાવવા સાંસદ પરસોત્તમ રૂપાલા અને રામ મોકરિયા, ધારાસભ્ય ભાનુ બાબરીયા, ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાળા, મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેન ખીરાણીયા અને દંડક સંજયસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહીને લોકોનો ઉત્સાહ વધારશે. આજના ઝડપી અને તણાવયુક્ત શહેરી જીવનમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને માનસિક તણાવ જેવી બીમારીઓ સામાન્ય બની ગઈ છે. નિયમિત યોગ અને પ્રાણાયામથી શારીરિક લવચીકતા, માનસિક શાંતિ અને આત્મિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે. RMC ના આ ૧૫ મિનિટ યોગા સિટીના ક્રાંતિકારી મોડેલથી આ સ્વાસ્થ્ય લાભો હવે સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે અને રાજકોટ સમગ્ર દેશ માટે 'હેલ્ધી સિટી' નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.