રાજકોટમાં કરોડોની લૂંટ! વૃદ્ધને મોઢે ડૂચો દઈ 2.47 કરોડ રોકડાની લૂંટ!
-
મુક્કો મારી પાડી દીધા!
-
સોનું લઈ બુકાનીધારીઓ ફરાર!
જાડેજા પરિવાર ટાર્ગેટ બન્યો!
પેટ્રોલ પંપ-હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર પર મોટો હુમલો!
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં મધરાતે થયેલી ૨.૪૭ કરોડની સનસનાટીભરી લૂંટની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. શાપર સ્ટેટના અગ્રણી અને ૭૭ વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા પોતાના નિવાસસ્થાને એકલા હતા ત્યારે ૫ બુકાનીધારી લૂંટારુઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમને બંધક બનાવી રોકડ, દાગીના, રાઇફલ તથા મોબાઈલ ફોન સહિતની કિંમતી માલમત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવાર-શુક્રવારની મધ્યરાતે આશરે ૧:૩૦ વાગ્યે લૂંટારુઓએ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અવાજથી જાગી ગયેલા જીતેન્દ્રસિંહ જાડેજા કંઈ સમજી શકે તે પહેલાં જ એક લૂંટારુ લોખંડની પાઇપ સાથે તેમની છાતી પર ચઢી ગયો હતો અને મોઢું દબાવી દીધું હતું. ત્યારબાદ અન્ય લૂંટારુઓએ ઘરમાં રહેલી તિજોરી અને કબાટ તોડી અંદરથી રોકડ અને દાગીના કબજે કર્યા હતા. લૂંટ પૂર્ણ કર્યા બાદ આરોપીઓ જીતેન્દ્રસિંહ જાડેજાને એક રૂમમાં બંધ કરી ભાગી ગયા હતા, બાદમાં તેમણે કોઈ રીતે રૂમનો દરવાજો ખોલીને બહાર આવી તપાસ કરતા ૨.૪૭ કરોડ રોકડ, અંદાજે ૨ લાખના સોનાના દાગીના, બાર બોરની પરવાનાવાળી રાઇફલ અને મોબાઈલ ફોન ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બીજા રૂમમાં રહેલા પત્નીના મોબાઈલ ફોનથી તેમણે રાજકોટમાં રહેતા પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ શાપર પોલીસ, રૂરલ એસઓજી, રૂરલ એલસીબી અને ગોંડલ ડીવાયએસપી સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સાથે જ ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈજી નિલિંસ રાથ અને જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે પણ સ્થળની મુલાકાત લઈ તપાસની સમીક્ષા કરી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોની સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં પારડી નજીક કેટલાક શખમંદ વ્યક્તિઓ કેમેરામાં કેદ થયાની માહિતી સામે આવતા તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટની આ ઘટનામાં જાણભેદુઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જીતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ જાડેજા પેટ્રોલપંપ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તાજેતરમાં જમીન વેચાણના વ્યવહારો ચાલતા હોવાથી મોટી રકમ ઘરમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારુઓને ઘરમાં મોટી રોકડ રકમ હોવાની અને વૃદ્ધ એકલા રહેતા હોવાની પૂર્વ જાણકારી હતી તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લૂંટારુઓએ તેમને મુક્કા મારી નીચે પાડી દીધા હતા અને મોઢે ડૂચો મારી ડરાવી-ધમકાવી લૂંટ ચલાવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા ધાડનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે. આ ઘટનાએ શાપર-વેરાવળ સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસ તંત્રએ ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોંચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.