કરોડોના ફ્લેટમાં ‘પાણી’ની ‘ચોરી’
રાજકોટમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ગેરકાયદે પાણી ખેંચાતું હતું...
વોર્ડ નં.11માં આવેલ અક્ષર પ્રાઈમ એપાર્ટમેન્ટ, સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં પાણી ચોરી પકડાઈ, બે લાખનો દંડ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં અને દરેક વિસ્તારના નાગરિકોને સમાન તેમજ નિયમિત રીતે પાણી મળી રહે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મનપાના કડક વલણ છતાં અમુક વિસ્તારોમાં પાણીની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. આ અંતર્ગત રાજકોટ મનપાની વોટર વર્કસ શાખા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન વોર્ડ નં. ૧૧ વિસ્તારમાં આવેલ બે મોટા હાઈરાઈઝ રહેણાંક એપાર્ટમેન્ટ્સમાં પાણીની લાઈન સાથે ગંભીર ચેડાં થતા હોવાનું અને ગેરકાયદેસર રીતે પાણીચોરી કરવામાં આવતી હોવાનું જલ્યું હતું. મનપા તંત્રએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને બંને હાઈરાઈઝ બિલ્ડિંગોને ૨ લાખનો મોટો દંડ ફટકાર્યો છે અને આ દંડની રકમની વસૂલાત કર્યા બાદ તેનો પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આ બિલ્ડિંગોમાં પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોવા છતાં, કેટલાક રહીશો તેમજ વ્યવસ્થાપકો દ્વારા મનપાની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના મુખ્ય પાણી સપ્લાય લાઈન પર આવેલા સરકારી વાલ્વનું ગેરકાયદે સ્વયં સંચાલન કરવામાં આવતું હતું.