રાજુલાના કોવાયામાં યુવકનો શિકાર કરનાર 4 સિંહો મોડી રાત્રે પાંજરે પુરાયા
સીટી ન્યૂઝ@ધર્મેશ મહેતા–રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે તાજેતરમાં એક પરપ્રાંતીય યુવકને સિંહો દ્વારા ફાડી ખાઇ તેનું માથું ધડથી અલગ કરી દેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે વનવિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. ગત મોડી રાત્રે વનવિભાગની ટીમ દ્વારા એક મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ૪ જેટલા શંકાસ્પદ સિંહોને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. સિંહો પાંજરે પુરાતા સ્થાનિક ગ્રામજનોએ મોટી રાહત અનુભવી છે. મૃતક યુવકની બાજુમાં જ આ ચાર સિંહો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. જેતી શેત્રુંજી ડિવિઝનના ACF વિસલસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજુલા આરએફઓ ડી.કે. ગઢવીના સહિતના વનવિભાગના સ્ટાફે રાત્રિના સમયે જ ઓપરેશન પાર પાડ્યું હતું. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાંજરે પુરાયેલા તમામ સિંહોના બ્લડ અને અન્ય સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ કયો સિંહ માનવભક્ષી છે તે અંગેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે.