પોલીસ કમિશનર બ્રજેશ ઝાની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠક યોજાઈ
» એક માસમાં 18.68 લાખથી વધુના ગાંજા, એમડી ડ્રગ્સ સાથે 10 શખ્સોની કરી ધરપકડ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરશ્રીએ નશીલા ડ્રગ્સના દૂષણથી યુવાનો દૂર રહે તે માટે ખાસ કરીને કોલેજ, યુનિવર્સિટીમાં ફોર્સ ઓપરેશન્સ કેમ્પેઈન કરવા સૂચના આપી હતી. વધુમાં નોડલ અધિકારીઓએ વિશેષ સતર્કતા દાખવી આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ જણાય તો પોલીસ વિભાગને જાણ કરવા સૂચના આપી હતી.
ક્રાઈમ વિભાગના ડી.સી.પી. જગદીશ બંગારવાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઈન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં એક માસમાં ગાંજાના ૩૭ છોડ સહીત રૂ. ૧૭ લાખનો ગાંજો તેમજ રૂ. ૧.૬૮ લાખથી વધુની કિંમતનો મેફેડ્રોન મળીને કુલ રૂ. ૧૮.૬૮ લાખની કિંમતના નશાકારક પદાર્થ ઝડપી ૫ કેસમાં ૧૦ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માહિતી આપતા જણાવ્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા શાળા આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તમાકુ વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોટપા એક્ટ હેઠળ ૧૩૬ કેસમાં રૂ. ૨૭,૨૦૦ અને મહાનગરપાલિકા દ્વારા ૮૪ કેસમાં રૂ. ૨,૭૫૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું જ્યારે એન્ટી ડ્રગ્સ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા રૂ. ૨ લાખથી વધુની કિંમતનો ૪ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું બંગારવાએ જણાવ્યું હતું આ તકે મહાનગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ, આરોગ્ય વિભાગ દ્વારા સર્ચની કામગીરીની વિગત પૂરી પાડવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાકારક ડ્રગ્સ અંગે કરવામાં આવેલી જાગૃતિ કાર્યક્રમની માહિતી પૂરી પાડવામાં આવી હતી.