પેકીંગનું કામ મેળવી 60 હજારનો માલ લઈ દંપતીએ બુચ માર્યું
=> માલ પરત જોઈતો હોય તો ગુગલ–પે કરો કહી ધમકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં વેપારીઓ પાસેથી પેકિંગ માટે માલ લઈ જઈ, બાદમાં તે માલ ઓળવી જવા અને નાણાં પડાવવા ધમકી આપતા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે પેકિંગ માટેનો માલ લઈ પરત નહિ આપી પૈસાની માંગણી કરનાર દંપતી સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના વિરાણી ચોક પાસે રહેતા અને સંતકબીર રોડ પર લાભ ઇમિટેશન નામથી વેપાર કરતા ધવલભાઈ જ્યોતિન્દ્રભાઈ માવલીયાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભગવતીપરા વાળા નિકુલ ભરત ચડીગરા, તેની પત્ની વિશ્વા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા દરોડ વર્ષથી વેપારી પાસેથી પેકિંગનો માલ લઈ જતા હતા. ગત ૧૨મે ના રોજ ૬૦,૦૦0નો ઇમિટેશનનો માલ પેકિંગ કરવા માટે લઈ ગયો હતો. બે દિવસ પછી વેપારીએ માલ પરત માંગતા ગલ્લા-તલ્લા કર્યા હતા અને વોટ્સએપ પર ધમકી આપી હતી કે, જો માલ જોઈતો હોય તો ગુગલ-પે માં ૨૫,૦૦૦ ટ્રાન્સફર કરો, નહીંતર માલ ભંગારમાં વેચી દઈશ. બાદ ગત ૨૨ મે ના રોજ વેપારી તેમના મામા જીતેન્દ્રભાઈ સાથે ઓમપાર્ક સોસાયટી સ્થિત આરોપીના ઘરે માલ લેવા ગયા ત્યારે દંપતીએ બોલાચાલી અને ઝપાઝપી કરી વેપારીનો કોલર પકડી ધક્કો મારી બહાર કાઢી મૂકી હવે પછી અહીં આવ્યા તો હાથ-પગ ભાંગી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
કારખાનેદારનો ઝેરી દવા પી આપઘાત
શહેરના જૈન ઉપાશ્રયની સામે રોયલ પાર્કમાં આવેલ ઓરબીટ ટાવરમાં રહેતા પ્રજ્ઞેશભાઈ લક્ષ્મણભાઈ રૈયાણી (ઉ.વ.૫૦) નો મૃતદેહ આજે પડધરીના મોટા રામપરા ગામની નદીના કાંઠેથી મળતા પડધરી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જે અંગે પડધરી પોલીસ મથકના પીઆઈ એમ જી ચૌહાણે જણાવ્યું હતું કે, મૃતક ગઈકાલે જ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. જે અંગે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં તેમના પરિવારે ગુમ નોંધ પણ દાખલ કરાવી હતી. હાલ પ્રાથમિક તપાસમાં તેઓએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું સામે આવી રહ્યું છે. જે અંગે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સામે આવશે. મૃતક કારખાનેદાર હોવાનું અને તેમને સંતાનમાં માં ૧ પુત્ર ૧ પુત્રી છે જે હાલ અમેરિકા રહેતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઉપરાંત મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે, હું મારી મરજીથી આપઘાત કરું છું, આ બનાવવામાં કોઈ વ્યક્તિનો વાંક કે હાથ નથી.