Loading Please Wait !!!
આ છે વિકાસ ! રસ્તો નહીં ખાડાઓનો ખજાનો; હાડકા તૂટવાની 100% ગેરંટી !

દાવા ખોખલા; પડધરીના ભાયુના–પીપળીયા રોડ બિસ્માર

  • ■ ગ્રામજનોની હૈયાવરાળ; હોસ્પિટલ, શાળા–કોલેજ જવા માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે

■ ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની સ્થિતિ અત્યંત ખરાબ

સીટી ન્યૂઝ@રાજકોટ

પડધરી તાલુકાના છેવાડાના મહત્વના મથક ગણાતા ભાયુના (દોમડા) ગામથી નગર પીપળીયાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે. આ માર્ગ માત્ર બે ગામોને જ નહીં, પરંતુ આસપાસના પાંચથી વધુ ગામોને તાલુકા અને મુખ્ય મથક સાથે જોડતો મહત્વનો સંપર્ક માર્ગ ગણાય છે. છતાં, વર્ષોથી યોગ્ય જાળવણીના અભાવે રસ્તાની હાલત દિવસેને દિવસે વધુ બગડી રહી છે.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ આ માર્ગ પર મોટા ખાડાઓ, તૂટી ગયેલી ડામર સપાટી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દવાખાને જવા, શાળાકોલેજ માટે તથા દૈનિક આવાગમન માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું સ્થાનિકો જણાવે છે.

હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રસ્તાની હાલત વધુ ખરાબ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ બાદ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી અકસ્માતની શક્યતા પણ વધે તેવી આશંકા ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માર્ગ તેમની રોજિંદી જીવનરેખા સમાન છે, છતાં તંત્ર દ્વારા સતત અવગણના થઈ રહી છે. અંતે ગ્રામજનોએ આ મુદ્દે તાત્કાલિક સમારકામ અને કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે.