Loading Please Wait !!!
જાહેર માર્ગ પર નોનવેજનો ‘રાજ’કોટ !

  • સીઝન બજાર સદર બજાર બન્યું ન્યુસન્સનું કેન્દ્રબિંદુ
  • ખુલ્લેઆમ માંસ અને મટનની વસ્તુઓનું કોઈ ખાસ હાઈજેનિક તકેદારી વિના ધમધોકાર વેંચાણ
  • ઈગલ શેરીમાંથી નીકળો એટલે શ્વાસ રોકવો જ પડે એટલી દુર્ગંધ !
  • મહાપાલિકા અને પોલીસ આવા ન્યુસન્સ પોઈન્ટ સામે ચૂપ કેમ ?

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં તહેવારોને લઈને ખાસ ઓળખ ધરાવતું સદર બજાર વર્ષોથી “સીઝન બજાર” તરીકે જાણીતું રહ્યું છે. અહીં વર્ષભર વિવિધ તહેવારોને અનુરૂપ ચીજવસ્તુઓ છૂટક તેમજ જથ્થાબંધ મળે છે, જેના કારણે શહેરીજનો માટે આ બજાર આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ છેલ્લા થોડા સમયથી સદર બજારની પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સીઝનલ બજાર તરીકે ઓળખાતું આ સ્થળ હવે ધીમે ધીમે નોનવેજ બજારમાં રૂપાંતરિત થઈ રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. મુખ્ય માર્ગ પર ખુલ્લેઆમ માંસ અને મટનની વસ્તુઓ કોઈ ખાસ હાઈજેનિક તકેદારી વિના વેચાતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ ફેલાયો છે. ખાસ કરીને સાંજના સમયે ચિકન શૌરમા અને અન્ય નોનવેજ હાટડાઓ દ્વારા ખુલ્લામાં સામાન લટકાવી વેચાણ કરવામાં આવતું હોવાથી દુર્ગંધ અને ગંદકીનું પ્રમાણ વધે છે. જેના કારણે ત્યાંથી પસાર થનારા લોકોને અસહજ સ્થિતિનો સામનો કરવો પડે છે, ઘણા લોકો મોંઢું ઢાંકીને પસાર થવા મજબૂર બને છે.

આ સિવાય, હરિહર ચોકથી ફૂલછાબ પ્રેસ રોડ સુધીના માર્ગ પર સાંજે ૭થી ૧૦ વાગ્યા દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાય છે. સ્થિતિ એટલી વિકટ બની જાય છે કે સાયકલ પસાર કરવી પણ મુશ્કેલ બની રહે છે. માર્ગ પર દબાણ અને અનિયંત્રિત હાટડાઓ ટ્રાફિક સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં આ બાબતે તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ માત્ર ઈ-ચલણ માટે જ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે, જ્યારે આવા ન્યુસન્સ પોઈન્ટ સામે કોઈ કાર્યવાહી થતી નથી. નાગરિકોનું કહેવું છે કે જો ખરેખર શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવું હોય તો તંત્રએ કોઈપણ પ્રકારની ભલામણ કે દબાણ વિના આવા હાટડાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ, જાહેર માર્ગો પર દબાણ દૂર કરીને સામાન્ય જનતાને સરળતાથી અવરજવર કરવાની સુવિધા પૂરી પાડવી જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન સંયુક્ત રીતે કાર્યવાહી કરે અને સદર બજારને ફરીથી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવે તેવી માંગ ઉઠી રહી છે.