ચોમાસાનો વિરામ પૂરો થવાના એંધાણ: 18 જુલાઈથી રાજ્યમાં ફરી મેઘમહેરની શક્યતા
- હવામાન વિભાગની આગાહી, પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી સિસ્ટમથી નવી તાકાત મળશે
- બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાત સહિત મધ્ય ભારતમાં સારા વરસાદના સંકેત
- ચોમાસુ રેખા ફરી મૂળ સ્થિતિમાં આવતા રાજ્યમાં સારો વરસાદ વરસવાની આશા
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશભરમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડ બાદ હાલ વરસાદી વિરામ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અને જળસંગ્રહ માટે ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. જોકે, હવામાન વિભાગ (IMD) દ્વારા એક આશાસ્પદ આગાહી કરવામાં આવી છે કે ૧૮ જુલાઈથી ચોમાસુ ફરી સક્રિય થઈ શકે છે. પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી વિવિધ સિસ્ટમો બંગાળની ખાડી તરફ આગળ વધવાની સંભાવના છે, જે ભારતીય ચોમાસાને જરૂરી ભેજ અને તાકાત પૂરી પાડશે. આ સિસ્ટમ સક્રિય થતા ૧૮ થી ૨૫ જુલાઈ દરમિયાન મધ્ય ભારત, ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાતમાં સારા વરસાદની અપેક્ષા છે.
હાલમાં પૂર્વીય રાજ્યોને બાદ કરતાં ભારતભરમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, જેના કારણે ધાન્ય, મકાઈ અને કઠોળ જેવા કૃષિપાકોને અસર પહોંચી રહી છે. જળાશયોના જળસ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે, ચોમાસુ રેખા પોતાની સામાન્ય સ્થિતિથી હટી જવાને કારણે ભેજયુક્ત પવનો પૂરતા પ્રમાણમાં આગળ વધી શક્યા નથી. જોકે, આગામી ૩-૪ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' પ્રવેશશે, જેની અસર હેઠળ પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે આબોહવા પરિવર્તનના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની પેટર્ન અત્યંત અનિયમિત બની છે. અધવચ્ચે લાંબો વિરામ અને અચાનક ભારે વરસાદના કારણે હવે હવામાનનું ચોક્કસ અનુમાન લગાવવું પડકારજનક બન્યું છે. પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવી રહેલી સિસ્ટમ ભારતીય ચોમાસાને સપોર્ટ કરી શકે છે, પરંતુ તે સિસ્ટમની તીવ્રતા અને દિશા પર પણ નિર્ભર રહેશે. હવામાન વિભાગ આ સમગ્ર ઘટનાક્રમ પર સતત વોચ રાખી રહ્યું છે, અને આવનારા દિવસોમાં ચોમાસાનું નવું સ્વરૂપ સ્પષ્ટ થશે.