નવાગઢમાં ફળિયામાં સુતેલા પરિવારને સુતા રાખી તસ્કરો 6.95 લાખની મતા ચોરી ગયા
સિટી ન્યૂઝ@વલભીપુર
જેતપુરના નવાગઢમાં કેનાલ કાંઠે બળદેવધારમાં રહેતા અને મજૂરીકામ કરનાર મંજુબેન ગોગનભાઈ વાઘેલા ઉ.૩૬એ ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પરિવાર સાથે રહે છે જેમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિનું આઠેક વર્ષ પહેલાં બીમારી સબબ અવસાન થયું છે ગઈ તા. ૨૪ ના રાતના આશરે ૧૧ વાગ્યે ઉનાળાની સિઝન હોય ગરમી થતી હોય જેથી ઘરના રૂમમાં તાળું મારી ઘરની બહાર આંગણામાં બે ખાટલા પાથરી એક ખાટલામાં મંજુબેન તથા તેનો પુત્ર અને બીજા ખાટલામાં તેની બે દીકરી કિરણ અને હેતલ સૂઈ ગયા હતા. ઘરના રૂમને તાળું માર્યું હતું જેની ચાવી ઓશીકા નીચે રાખી હતી બીજા દિવસે સવારના સાતેક વાગ્યે ઉઠીને ઓશિકા નીચે રાખેલ ચાવી જોતા ત્યાં ચાવી ન હોય જેથી તુરંત જ ઘરમાં આવી જોતા તાળું ખુલ્લું હતું અને રૂમમાં જઈ તપાસ કરતા કાંબી ઉપર રાખેલ લોખંડની બે પેટી પૈકીની એક પેટી જોવા મળી ન હતી અને બીજી પેટીમાં સામાન વેરવિખેર પડ્યો હતો જેથી તુરંત તેમણે પોતાના પુત્રને ઉઠાડી ચાવી બાબતે પૂછતા તેમને ચાવી બાબતે કોઈ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું બાદમાં ઘરમાં તપાસ કરતા એક સોનાની પાંદડા ડિઝાઇન વાળી બુટ્ટી ૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦, ચાંદીનું કડું ૫૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૧.૩૦ લાખ, ચાંદીની લકી ૧૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ તેમજ મહિલાએ બચતના રાખેલ રોકડ રૂપિયા ૨.૪૦ લાખ સહિત કુલ રૂપિયા ૬.૯૫ લાખની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે..