Loading Please Wait !!!
ગર્લફ્રેન્ડે કાર ઉપર 3400 લિપસ્ટિકના નિશાન કર્યાનો પોલીસે 5500નો દંડ ફટકાર્યો

  • મધ્યપ્રદેશના ગ્વાલિયરનો અનોખો કિસ્સો
  • કાર માલિક આદિત્યની ગર્લફ્રેન્ડે એક વિદેશી સોશિયલ મીડિયા ટ્રેન્ડથી પ્રેરાઈને બોયફ્રેન્ડે કાર કિસથી ભરી દીધી

સિટી ન્યૂઝ@મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક અનોખી કાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. કારના સમગ્ર બાહ્ય ભાગ પર લિપસ્ટિકના હજારો નિશાન જોવા મળતાં લોકોમાં ભારે કૌતુક સર્જાયું હતું. અહેવાલો મુજબ, કાર માલિક આદિત્ય સિકસ્વારની ગર્લફ્રેન્ડે એક વિદેશી સોશિયલ મીડિયા ટ્રેન્ડથી પ્રેરાઈને લગભગ ૩,૪૦૦ કિસના નિશાન કાર પર લગાવ્યા હતા.

આ સમગ્ર પ્રક્રિયામાં સાડા ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગ્યો હોવાનું કહેવાય છે. કાર રસ્તા પર જોવા મળ્યા બાદ તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મામલો ટ્રાફિક પોલીસ સુધી પહોંચતાં પોલીસે સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાંથી કારની નંબર પ્લેટના આધારે વાહનની ઓળખ કરી હતી.

ત્યારબાદ થાટીપુર વિસ્તારમાંથી કારને જપ્ત કરવામાં આવી હતી અને તેના માલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રકારના નિશાનવાળું વાહન રસ્તા પર ચલાવવું ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન હેઠળ આવતું હોવાથી કાર માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે કાર માલિકને ૫,૫૦૦નું ચલણ ફટકાર્યું હતું. કાર્યવાહી બાદ કારમાંથી લિપસ્ટિકના તમામ નિશાન દૂર કરવામાં આવ્યા હતા. કાર માલિકે પોતે જ નિશાન સાફ કરીને વાહનને પાણીથી ધોઈ નાખ્યું હતું.

ગ્વાલિયર ટ્રાફિક પોલીસના ટીઆઈ અભિષેક રઘુવંશીના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર લિપસ્ટિકના નિશાનવાળી કારના ફોટા સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. નંબર પ્લેતના આધારે કાર શોધી કાઢવામાં આવી અને નિયમોનો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી.આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં પણ ચર્ચા છે કે પ્રેમ વ્યક્ત કરવાની અનોખી રીત આખરે કાર માલિકને ૫,૫૦૦માં પડી!