ખેડૂતોની ચીમકી; 2027માં સરકારને ઉખેડી નાંખશું !
સત્યાગ્રહ પાર્ટ ૩; ખેડૂતોની મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી, ૩ વિકલ્પ સાથે આવેદન
અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર
ગુજરાતનો જગતનો તાત આજે પોતાની કિંમતી જમીન અને હક બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યો છે. મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીઓના વીજપોલ સામે શરૂ થયેલું આંદોલન હવે જનઆંદોલન બની ચૂક્યું છે. સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલો વળતરનો નવો પરિપત્ર ખેડૂતોના હિતમાં ન હોવાથી, આજે ‘સત્યાગ્રહ પાર્ટ-૩’ ના ભાગરૂપે હજારો ખેડૂતોએ મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ કૂચ કરી સરકાર સામે રણશિંગું ફૂંક્યું હતું.
ખેડૂતો પર સરકારને દયા નથી!
ખેડૂત પરિવારની મહિલાઓએ આ અન્યાય સામે સૌથી મોખરે રહીને અવાજ ઉઠાવ્યો હતો. આંદોલનકારી મહિલાઓએ ભારે હૃદય અને રોષ સાથે જણાવ્યું હતું કે, “અમે કેટલાય દિવસોથી ભૂખ્યા-તરસ્યા ઉપવાસ પર બેઠા છીએ, છતાં સરકાર ખાનગી ઉદ્યોગપતિઓના હિત સાચવવામાં વ્યસ્ત છે. અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ, અમારા ઊભા પાક અને જમીન બગાડી અમને હેરાન ન કર.” પદયાત્રામાં જોડાયેલા ૧૦૦૦થી વધુ ખેડૂતોના “જય જવાન, જય કિસાન” અને “ખેડૂત એકતા જિંદાબાદ” ના નારાઓથી સમગ્ર મોરબી પંથક ગુંજી ઉઠ્યો હતો. જેતપર ગામે ખેડૂતોએ પોતાના હક માટે ૧૯ દિવસ સુધી આકરા આમરણાંત ઉપવાસ કર્યા હતા.
ખેડૂતોએ સરકાર પાસે શું માંગણી કરી
-
વિકલ્પ: ૧ (ટાવર બેઝ અને કોરિડોર વળતરમાં સુધારો): ટાવર બેઝ: વર્તમાન ૨૦૦ ટકાની જગ્યાએ ૪૦૦% વળતર આપવામાં આવે. કોરિડોર: ગ્રામીણ વિસ્તાર, નગરપાલિકા કે મહાનગરપાલિકા-આ ત્રણેય માટે એક સમાન રીતે ૨૬૦% વળતર નક્કી કરવામાં આવે.
-
વિકલ્પ: ૨ (જમીન સંપાદન કાયદો ૨૦૧૩): વર્ષ ૨૦૧૩ના જમીન સંપાદનના કાયદા મુજબ, જમીનની બજાર કિંમતના ચાર ગણું વળતર થાંભલા અને તાર બંને માટે ચૂકવવામાં આવે.
-
વિકલ્પ: ૩ (લાઈસન્સ રૂલ ૨૦૦૬ મુજબ ભાડું): લાઈસન્સ રૂલ્સ ૨૦૦૬ના આધારે, વીજ કંપની અને ખેડૂત બંને પરસ્પર સમજૂતી કરીને જમીનનું ભાડું નક્કી કરે.