મેયર સાહેબ; રાજકોટને ખોટમાંથી બહાર કાઢવાનો સ્પષ્ટ રસ્તો ?કર્મચારી વ્યવસાય વેરો
નિયમો છે પણ અમલ નથી; મહાપાલિકા ખોટમાં નહીં બેદરકારીમાં ડૂબી !
અમદાવાદ મહાપાલિકા આ વેરાથી 200 કરોડની આવક ઉભી કરે છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકા ખોટના ખાડામાં કેમ ધકેલાઈ રહી છે તે પ્રશ્ન હવે ગંભીર બન્યો છે. શહેરમાં સંભવિત કરોડોની આવક હોવા છતાં તંત્રની અણઆવડત અને બેદરકારીને કારણે મહાપાલિકા મોટી આવકથી વંચિત રહી રહી છે.
મહાપાલિકાના નિયમ મુજબ, જે સંસ્થા પોતાના કર્મચારીઓને દર મહિને ૧૨,૦૦૦થી વધુ પગાર આપે છે, તે સંસ્થાએ પ્રતિ કર્મચારી ૨૦૦ મહિને વ્યવસાય વેરો ભરવાનો હોય છે. છતાં, રાજકોટમાં આ નિયમનો અમલ પૂરેપૂરો થતો નથી, જેના કારણે મોટી આવક ગુમાઈ રહી છે.
આંકડાઓ મુજબ, રાજકોટની વસ્તી આશરે ૨૦ લાખ માનવામાં આવે છે. અંદાજે ૩ લાખ જેટલા કર્મચારીઓ ૧૨,૦૦૦થી વધુ પગાર ધરાવતા હોય શકે છે. આ હિસાબે મહાપાલિકાને દર મહિને આશરે ૬ કરોડની આવક થઈ શકે, જે વર્ષે ૭૨ કરોડ સુધી પહોંચી શકે છે. માત્ર સ્કૂલ સેક્ટરમાં જ અંદાજે ૫૦૦ જેટલી સંસ્થાઓ કાર્યરત છે. આ ઉપરાંત અનેક નાની-મોટી કંપનીઓ પણ છે. છતાં અનેક સંસ્થાઓ આ વેરો ભરતી નથી. આશ્ચર્યની વાત એ છે કે કેટલીક સંસ્થાઓએ તો એક વાર પણ આ વેરો ભર્યો નથી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, સ્કૂલ સંચાલકો અને કેટલાક તંત્રના અધિકારીઓ વચ્ચે ગોઠવણના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. માહિતી માંગવા છતાં અધિકારીઓ યોગ્ય વિગતો આપતા નથી, જે શંકાને વધુ ગાઢ બનાવે છે.
તુલનાત્મક રીતે જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં આ જ પ્રકારની આવક દર વર્ષે અંદાજે ૨૦૦ કરોડ સુધી પહોંચે છે. તો પછી રાજકોટમાં આ આવક કેમ ઉભી કરવામાં નથી આવી રહી?
શહેરના વિકાસ માટે જરૂરી આ આવક તંત્રની બેદરકારીને કારણે અટકી રહી છે. જો યોગ્ય રીતે વસૂલાત કરવામાં આવે તો રાજકોટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, પાણી અને અન્ય સુવિધાઓમાં મોટા પાયે સુધારો શક્ય બને.
- ભાજપ નેતાએ અધિકારીને ઘરે બોલાવી આ વ્યવસ્થા નહીં કરવાની સૂચના આપી હતી
ઈમાનદાર અધિકારીએ રાજકોટમાં આવેલી મોટાભાગની સ્કૂલો આ વ્યવસાય વેરો નહીં ભરતા હોવાથી અધિકારીએ સ્કૂલો સામે લાલ આંખ કરી હતી સ્કૂલ સંચાલકોનું ભાજપ નેતા ઉપર દબાણ આવતા અને પોતાના સંબંધીને આ વેરામાંથી બાકાત રાખવા અધિકારીને ભાજપ નેતાએ પોતાના ઘરે બોલાવી આ કાર્યવાહી કરવાની નથી તેવી સૂચના આપી અધિકારી પાંચ દિવસમાં જ બદલી કરી નાંખી હતી.