DYSPની કારની ટક્કરથી 2નાં મોત
» અમદાવાદ વડોદરા હાઈવે પર અકસ્માત
» બોટાદના DYSPની કાર હતી
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ગઈકાલે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અડાસ બ્રિજ પાસે એક પૂરપાટ કારે શેરડીના કોલામાં ઘૂસી ગઈ હતી. રસ પીવા ઉભેલા ૨ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયાનું સામે આવ્યું છે. જ્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કાર બોટાદના DYSP એ.એ.સૈયદની હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ, આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે એક શેરડીના કોલા પાસે કેટલાક લોકો રસ પીવા ઉભેલા હતા. ત્યારે વડોદરાથી આણંદ તરફ આવી રહેલા બોટાદના DYSP એ.એ. સૈયદની કાર અચાનક કાબૂ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ પૂરપાટ કાર સીધી રસના કોલામાં ઘૂસી જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના સમયે હાજર રહેલા બે લોકોના મોત થયા હતા.
દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ કાર બોટાદના ડીવાયએસપી એ.એ સૈયદની છે. તેઓ વડોદરાથી આણંદ આવતા અચાનક કાબૂ ગુમાવતા આ ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા વાસદ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.