Loading Please Wait !!!
સૌરાષ્ટ્રમાં મેઘો ‘બેફામ’ આફતોનું ‘તાંડવ’ !

  • અમરેલી જિલ્લો જળમગ્ન : 5 તાલુકામાં શાળાઓ બંધ
  • રાજુલામાં 11 ઈંચ ધારીમાં 9 ઈંચ
  • ખાંભામાં 7 ઈંચ સાવરકુંડલામાં 10 ઈંચ
  • મીઠાપુર ડુંગરીમાં 68 લોકોનું રેસ્ક્યૂ : ચલાલામાંથી 100 લોકોનું સ્થળાંતર, વાઢેર ગામ આખે આખું પાણીમાં ડૂબ્યું
  • સાવરકુંડલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં 55 જેટલા ગામડાઓમાં વીજળી ગુલ
  • 222 વીજપોલ 9, ટ્રાન્સફોર્મર ધરાશાયી

સિટી ન્યૂઝ@રાજકોટ

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને ઉત્તર અરબી સમુદ્ર ઉપર સક્રિય ટ્રફના સંયુક્ત પ્રભાવને કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગત સપ્તાહથી શરૂ થયેલો વરસાદનો દોર વધુ વેગવાન બન્યો છે. ચોમાસું હવે અમરેલી જિલ્લા સુધી સક્રિય રીતે આગળ વધતાં આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ૮૦માંથી ૬૭ તાલુકામાં ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અમરેલી જિલ્લાના રાજુલામાં ૧૧ ઈંચ વરસાદ વરસતાં સમગ્ર પંથક જળબંબાકાર બન્યો હતો.

રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા અને ધારી તાલુકાઓમાં શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરા અને લીલીયા સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને કેટલાક ગામોનો સંપર્ક પણ ખોરવાયો હતો.

અમરેલી જિલ્લામાં રાજુલામાં ૧૧ ઈંચ, ધારીમાં સાડા નવ, ખાંભામાં સાત, સાવરકુંડલા અને બગસરામાં પાંચ-પાંચ, લીલીયામાં સાડા ચાર તથા અમરેલી શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. કુકાવાવમાં દોઢ ઈંચ જ્યારે લાઠી અને બાબરા પંથકમાં ઝાપટાથી દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ખાસ કરીને રાજુલા, ધારી, ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. ગીર ગઢડા, કોડીનાર અને સૂત્રાપાડામાં બે થી અઢી ઈંચ જ્યારે તાલાળા, વેરાવળ અને પાટણમાં પોણા ઈંચથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

 પંથકની જીવાદોરી સમાન તમામ નદીઓ અને નાળા બે કાંઠે વહી રહ્યા છે. ખાસ કરીને સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નાવલી નદી બંને કાંઠે સતત ભયજનક સપાટીએ વહેતી થતાં આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. તાલુકાના તમામ તળાવો છલકાયા છે અને ચેકડેમો ઓવરફ્લો થતાં ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. અનેક ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યા છે.

ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે વાહનવ્યવહારની વાત કરીએ તો, સાવરકુંડલાથી જોડાતા તમામ મુખ્ય માર્ગો જેવા કે અમરેલી, રંઘોળા, મહુવા અને ભાવનગર તરફના હાઈવે બંધકરી દેવાયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા અદકા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. અમરેલી-સાવરકુંડલા રાજ્ય ધોરીમાર્ગ પર ઓળીયા ગામ નજીક ભારે વરસાદને પગલે રોડનું મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે. આ માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.