Loading Please Wait !!!
લગ્નમાં ફટાકડા ડી.જે., વ્યસન પર પ્રતિબંધ

  • ચુવાળિયા ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ
  • ભંગ કરનારને 51 હજાર દંડ ફટકારવામાં આવશે

સિટી ન્યૂઝ @ સુરેન્દ્રનગર

ચુવાળિયા ઠાકોર સમાજ દ્વારા સાથલાના આઠા બોર્ડ પાસે આવેલા સામતર વેલનાથ આશ્રમ ખાતે એક મહા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજ દ્વારા લગ્ન પ્રસંગો માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે, જેનો અમલ આજથી શરૂ થયો છે. આ નવા બંધારણ અંતર્ગત લગ્ન પ્રસંગોમાં ફટાકડા ફોડવા, ડીજે વગાડવું અને કોઈપણ પ્રકારના વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું મોંઘવારીને નિયંત્રિત કરવા અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ, જેમ કે ઘરેણાં અને અન્ય ખોટા ખર્ચાઓ પર અંકુશ લાવવા માટે લેવામાં આવ્યું છે. આ મહા સંમેલનમાં સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લાના ૧૫૦ થી વધુ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોની સર્વાનુમતે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બંધારણના અમલનો ભંગ કરનાર વ્યક્તિ સમાજને દોષિત ગણવામાં આવશે અને તેની સામે ૫૧ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ દંડની તમામ રકમનો ઉપયોગ સમાજના શિક્ષણ પાછળ કરવામાં આવશે.