Loading Please Wait !!!
માલસરના ગજાનન આશ્રમમાં સંસ્કૃત પાઠશાળામાં નિઃશુલ્ક પ્રવેશ શરૂ

=> 8 વર્ષથી ઉપરના બ્રાહ્મણ બાળકો માટે રહેવા, જમવા અને ભણવાની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા

સિટી ન્યૂઝ@વડોદરા

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા માલસર ગામના ગજાનન આશ્રમ ખાતે ચાલતી સંસ્કૃત પાઠશાળામાં નવા શૈક્ષણિક સત્ર માટે બ્રાહ્મણ બાળકોને નિશુલ્ક પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિજય જોષી દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી આ પાઠશાળા ચલાવવામાં આવે છે, જેમાં બાળકોના સર્વાંગી વિકાસ અને સંસ્કાર સિંચન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

નર્મદા નદીના પવિત્ર તટે આવેલા આ આશ્રમમાં ૮ વર્ષની ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. અહીં રહેવા, જમવા અને અભ્યાસની સુવિધા બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. આશ્રમમાં માત્ર પરંપરાગત સંસ્કૃત શિક્ષણ જ નહીં, પરંતુ તેની સાથે આધુનિક શિક્ષણ અને સ્પોર્ટ્સ (રમતગમત) સહિતના વિષયો પર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે, જેથી બાળકો આજના યુગ સાથે સક્ષમતાથી તાલમેલ મિલાવી શકે. નર્મદા નદીના સાંનિધ્યમાં રહેવાથી બાળકોમાં વિશેષ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થાય છે. આશ્રમમાં કર્મકાંડના વિષય માટે ખાસ કાશીથી આવેલા વિદ્વાન શાસ્ત્રી ઉદયપ્રસાદ જ્ઞાન આપે છે.

જ્યારે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રનો ગહન અભ્યાસ વડોદરાના પ્રખર જ્યોતિષશાસ્ત્રી ગોપાલ ભટ્ટ દ્વારા કરાવવામાં આવે છે. અહીંથી તૈયાર થયેલા અનેક વિદ્વાન બ્રાહ્મણો આજે દેશ-વિદેશમાં જઈને ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ ગજાનન આશ્રમ (માલસર, તા. શિનોર, જિ. વડોદરા) નો રૂબરૂ અથવા મોબાઇલ નંબર 98251 17408, 99241 32032 કે 98244 29520 પર સંપર્ક કરી શકે છે.