સિંહોની સુરક્ષા ‘રામ ભરોસે’ ?
=> વન વિભાગ નિષ્ફળ ? સ્થાનિક ટ્રેકર્સ ઉપર કામનું ભારણ
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા–રાજુલા
રાજ્ય સરકાર સિંહો અને અન્ય વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી હોવાના દાવા કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી રાજુલા અને જાફરાબાદ રેન્જમાં લાંબા સમયથી ફોરેસ્ટરની મહત્વની જગ્યાઓ ખાલી પડી હોવા છતાંપણ વનવિભાગ દ્વારા નવી ભરતી કરવામાં આવી નથી.
સ્ટાફની આ ગંભીર અછતના કારણે હાલમાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રાખવામાં આવેલા સ્થાનિક ટ્રેકર્સ ઉપર કામનું ભારણ અસહ્ય રીતે વધી ગયું છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના રેવન્યુ (ગ્રામ્ય અને ખેતીવાડી) વિસ્તારોમાં સિંહોની વસ્તી સૌથી વધારે જોવા મળે છે. વનવિભાગમાં સ્ટાફ ન હોવાને કારણે સિંહોની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા નબળી પડી રહી છે. હાલમાં ખાલી પડેલી જગ્યાઓનો વધારાનો ચાર્જ અન્ય રાઉન્ડ ફોરેસ્ટરોને સોંપીને જેમ તેમ કામ ચલાવવામાં આવી રહ્યું છે જેના કારણે સિંહોની સ્થિતિ ચિંતાજનક બની છે.
ત્યારે હવે સિંહોના સાચા અર્થમાં સંરક્ષણ અને સંવર્ધન માટે આ ખાલી પડેલી તમામ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે અનુભવી અને સક્ષમ ફોરેસ્ટરોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો સમયસર સ્ટાફ નહીં મુકાય તો આગામી દિવસોમાં સિંહોની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
=> કયા રાઉન્ડમાં કેટલી જગ્યાઓ ખાલી?
■ ધારેશ્વર રાઉન્ડ ફોરેસ્ટર,
■ વિક્ટર રાઉન્ડ ફોરેસ્ટર,
■ બાબરીયાધાર રાઉન્ડ ફોરેસ્ટર,
■ રાજુલા રાઉન્ડ ફોરેસ્ટર,
■ રેલ્વે ટ્રેક ફોરેસ્ટર,
■ સૂચિત રેસ્કયૂ સેન્ટર રાઉન્ડ ફોરેસ્ટર,
■ નાગેશ્રી રાઉન્ડ ફોરેસ્ટર,
■ ટીંબી રાઉન્ડ ફોરેસ્ટર,
■ બાબરકોટ એનિમલ કેર સેન્ટર (ફોરેસ્ટર અને બીટ ગાર્ડ)