Loading Please Wait !!!
બાઈક દીવાલ સાથે અથડાતા ઘવાયેલા યુવાનનું નિપજ્યું મોત

સોખડા પાસે દિવાળી ટાણે બનેલો બનાવ : પાંચ બહેનના એકના એક ભાઈના મોતથી પરિવાર સ્તબ્ધ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ નજીક કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતા અને IOC (આઈઓસી) ના લેબર વિભાગમાં નોકરી કરતા ૩૫ વર્ષીય યુવાન સોયેબભાઈ ગુલાબભાઈ મીરા સાથે ગત દિવાળીના તહેવારો દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ગત તારીખ ૨૫/૧૦/૨૫ ના રોજ તેઓ પોતાની મોટરસાઈકલ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે સોખડા પાસે બાઈક કાબૂ બહાર જઈ દીવાલમાં ધડાકાભેર અથડાયું હતું. આ ગંભીર અકસ્માતમાં સોયેબભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ છેલ્લા લગભગ સાડા સાતેક મહિનાથી તેઓ હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. લાંબી સારવાર બાદ આખરે તેમણે દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે કુવાડવા રોડ પોલીસને સત્તાવાર જાણ કરી છે. મૃતક સોયેબભાઈના લગ્નજીવનમાં અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને તેઓ પાંચ બહેનો વચ્ચે એકના એક વચેટ ભાઈ તેમજ પરિવારના એકમાત્ર કમાતા આધારસ્તંભ હતા. તેમના અકાળ અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.