ટેસ્ટ મેચમાં ગુલાબી બોલ, ‘ડ્રિંક્સ બ્રેક’માં કોચ મેદાનમાં જઈ શકશે
» ICCના નવા નિયમો જાહેર
»ખરાબ પ્રકાશમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ લાઈટીંગ કંડિશનને કારણે રમત અટકવાની સમસ્યા જલ્દી જ સમાપ્ત થઈ શકે છે. દિવસ દરમિયાન રમાતી ટેસ્ટ મેચમાં લાલ બોલથી રમત આય છે. જો ખરાબ રોશનીને કારણે રમત અટકે છે, તો બંને કેપ્ટનોની સહમતિથી ગુલાબી બોલનો ઉપયોગ થઈ શકશે. ગુલાબી બોલ ફ્લડ લાઈટ્સમાં જોઈ શકાય છે. લાલ બોલથી ફ્લડ લાઈટ્સમાં રમત રમી શકાતી નથી.
અમદાવાદમાં સોમવારે યોજાયેલી ICCની વાર્ષિક બેઠકમાં તેના ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. શરૂઆતમાં આ ટ્રાયલ અમુક જ મેચો સુધી મર્યાદિત રહેશે. સારા પરિણામો મળ્યા પછી તેને તમામ ટેસ્ટ મેચો પર લાગુ કરવામાં આવશે.
ICCએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સાથે સંબંધિત કેટલીક અન્ય પ્લેઇંગ કન્ડિશનર્સમાં ફેરફારોને મંજૂરી આપી દીધી છે. તમામ ફેરફારો ૧ ઓક્ટોબરથી લાગુ પડશે. ખરાબ રોશનીને કારણે રમત અટકવાની સમસ્યા ઘટાડવા માટે નવી લાઇટીંગ ટેક્નોલોજી પર સંશોધન કરવાની મંજૂરી પણ બેઠકમાં આપવામાં આવી હતી. ICC અને મેરિલબોન ક્રિકેટ ક્લબ સાથે મળીને આ પ્રોજેક્ટ્સને ફંડ આપશે.
હવે વનડે મેચોમાં કોઈપણ ટીમનો હેડ કોચ ડ્રિંક્સ બ્રેક દરમિયાન મેદાન પર જઈને ખેલાડીઓ સાથે વાતચીત કરી શકશે. પહેલાં આ પરવાનગી ફક્ત ટી-૨૦ મેચોમાં જ હતી.
ICCએ અમ્પાયરને ગેરકાયદેસર બોલિંગ એક્શનના રિપોર્ટ પર વિચાર કરતી વખતે હૉક-આઈ ડેટા જોવાની પરવાનગી પણ આપી છે. હૉક-આઈ કેમેરા-આધારિત ટ્રેકિંગ ટેકનિક છે, જે ઘણા હાઈ-સ્પીડ કેમેરાની મદદથી બોલની ગતિ અને તેના માર્ગનો 3D મોડેલ તૈયાર કરે છે. ક્રિકેટમાં તેનો સૌથી વધુ ઉપયોગ DRS હેઠળ LBWના નિર્ણયોમાં થાય છે, જ્યાં એ અનુમાન લગાવવામાં આવે છે કે બેટર્સના પેડ સાથે અથડાયા પછી બોલ સ્ટમ્પને લાગશે કે નહીં. આનાથી અમ્પાયરોને વધુ સચોટ નિર્ણયો લેવામાં મદદ મળે છે.