Loading Please Wait !!!
ભાજપના વફાદાર સિપાહી જનકરાજનું નિધન...

  • સફેદ કપડા હસતો ચહેરો આજે યાદોમાં જ રહી ગયો
  • ટૂંકી બિમારી બાદ હાર્ટએટેકથી મૃત્યુ થયું
  • મેયર બન્યા પછી પણ સાદુ જીવન અને ઉચ્ચ વિચારો જાળવી રાખી તેમણે આદર્શ જનસેવકનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના રાજકીય અને સામાજિક ક્ષેત્રે આજે એક મોટી ખોટ પડી છે. રાજકોટના પૂર્વ મેયર, રઘુવંશી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સમાન વરિષ્ઠ નેતા જનકભાઈ કોટકનું દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ રાજકીય અગ્રણીઓ, વેપારીઓ અને રઘુવંશી સમાજ સહિત સમગ્ર રાજકોટ શહેરમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. રાજકોટ ભાજપનાં પાયાનાં પથ્થર અને 'જનકરાજ'નાં નામથી તેઓ જાણીતા હતા. તેઓની અંતિમયાત્રા આજે (૧૫ જૂન) બેડીનાકા સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે.

જનકભાઈ કોટક વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા અને પક્ષને મજબૂત બનાવવામાં તેમણે પાયાની ભૂમિકા ભજવી હતી. રાજકોટના મેયર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે લોકાભિમુખ કાર્યો કરીને શહેરીજનોના દિલ જીત્યા હતા. માત્ર રાજકારણ જ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ રઘુવંશી સમાજના પ્રશ્નો અને ઉત્થાન માટે તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. એક મિલનસાર અને સનિષ્ઠ નેતા ગુમાવતા ભાજપ પરિવાર અને તેમના ચાહકોમાં ભારે ગમગીની ફેલાઈ છે.

સ્વ. જનકભાઈ કોટકની અંતિમયાત્રા આજે સાંજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાન બાલકૃષ્ણ એપાર્ટમેન્ટ', બેડીનાકા ટાવરની અંદર, રાજકોટ ખાતેથી નીકળશે. ત્યાંથી આ અંતિમયાત્રા રામનાથપરા સ્મશાનગૃહ ખાતે પહોંચશે, જ્યાં તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે અને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમના નિધનને લઈને વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે.

જનક કોટકનો જન્મ ૬ જૂન, ૧૯૪૭માં મોરારજીભાઈ કોટક અને કંકુબહેન કોટકને ત્યાં થયો હતો. તેમણે ધોરણ ૯ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની રાજકીય સફરની વાત કરીએ તો, ઈ.સ. ૧૯૬૨માં વિદ્યાર્થી કાળથી તેમણે જનસંઘમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ ૧૯૬૫માં પણ ચીન-પાકિસ્તાન સાથે ભારતની લડાઈ વખતે તેમણે સક્રિય કામગીરી બજાવી હતી. વર્ષ ૧૯૬૭માં તેઓ રાજકોટ વોર્ડ નં. ૧ના બૂથ ઇન્ચાર્જ તેમજ ચૂંટણી ઇન્ચાર્જ રહ્યા હતા અને ૧૯૭૧માં વોર્ડ નં. ૧૭ના પ્રમુખ બન્યા હતા. ઈ.સ. ૧૯૭૩માં તેઓ ચૂંટણી જીતીને મહાપાલિકામાં પ્રવેશ્યા હતા. તેઓ સતત ચાર વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. દરમ્યાન ચેરમેન, દંડક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર તેમજ મેયર જેવા મહત્વના હોદ્દાઓ પર સફળતાપૂર્વક ફરજ બજાવી ચુક્યા છે. કોર્પોરેશનમાં પક્ષના નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને મેયર તેમ ચારેય મહત્ત્વના પદે રહ્યા હોય તેવા તેઓ એકમાત્ર કોર્પોરેટર હતા.

મેયર બન્યા પછી પણ સાદું જીવન અને ઉચ્ચ વિચારો જાળવી રાખી તેમણે આદર્શ જનસેવકનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જનકભાઈએ મેયર તરીકેના તેમના કાર્યકાળમાં ગરીબ દર્દીઓને બીપીએલ કાર્ડ, જીવદયા માટે ચકલીના માળાનું વિતરણ વગેરે અનેક પરોપકારી કાર્યોનો પ્રારંભ કરી અનન્ય લોકચાહના મેળવી હતી. વ્યક્તિની લાઈન કરતા પાર્ટીની લાઈનને કાયમ મોટી ગણી, પોતાની નિખાલસ કાર્યશૈલીના કારણે પ્રજામાં 'રાજા' તરીકે જાણીતા છે અને અનેક પડકારો વચ્ચે તેઓ નિષ્કલંક રીતે મેયરપદે અઢી વર્ષ પૂર્ણ કર્યા હતા. રાષ્ટ્રીય ભાજપના કારોબારી સભ્ય જનકભાઈ પોતાની પ્રામાણિક, સેવાભાવી, બિનવિવાદાસ્પદ જાહેર જીવનને લઈને તમામ રાજકીય પક્ષોમાં પણ આગવી લોકચાહના ધરાવતા હતા.