ખેડૂતોનું એલાન, ગામડામાં ભાજપ નેતાઓને નો એન્ટ્રી
- મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર મુદ્દો ફરી ગરમાયો
- 50 ગામડાનો વિરોધ અમારા ગામમાં પ્રવેશ ઉપર નેતાઓ પર પ્રતિબંધ
- આંદોલનને રાજ્યભરમાં વિસ્તારવા તૈયારીઓ શરૂ કરવામાં આવી
સિટી ન્યૂઝ@મોરબી
મોરબી જિલ્લાના અનેક ગામોમાં ખેતીની જમીન પરથી પસાર થતી વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ તેજ બન્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ ટાવર અને લાઈનના કારણે ખેતીની જમીન, ઉપજ અને ભવિષ્યના ઉપયોગ પર અસર થશે, છતાં સરકાર અને સંબંધિત તંત્ર તરફથી તેમની રજૂઆતોનો संतोषકારક ઉકેલ આવ્યો નથી. હવે વિરોધ ગામસ્तरे રાજકીય બહિષ્કાર સુધી પહોંચ્યો છે.
આંદોલનકારીઓના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના અંદાજે ૫૦ જેટલા ગામોમાં વિરોધ અથવા રાજકીય બહિષ્કાર અંગે
કરાવો જાહેર કરવામાં આવ્યા છે. કેટલાક ગામોના પ્રવેશદ્વારે બેનરો લગાવી ભાજપના નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગામમાં પ્રવેશ નહીં કરવા તેમજ ચૂંટણી સમયમાં મત માંગવા માટે નહીં આવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે પાક નુકસાની, બજારભાવ, સિંચાઈ સહિતના પ્રશ્નો બાદ હવે વીજ ટ્રાન્સમિશન લાઇનનો મુદ્દો ગંભીર બન્યો છે. આ લડત કોઈ રાજકીય પક્ષના બેનર હેઠળ નહીં પરંતુ ખેડૂતોના અધિકારો અને પ્રશ્નોના નિરાકરણ માટે ચલાવવામાં આવી રહી હોવાનું આંદોલનકારીઓએ જણાવ્યું છે.
ખેડૂતોનો દાવો છે કે
ટ્રાન્સમિશન ટાવર અને વીજલાઈન માટે ખેતીની જમીનો ઉપયોગ થવાથી જમીનની ઉપયોગિતા અને ખેતી પર લાંબા ગાળાની અસર થઈ શકે છે. યોગ્ય વળતર, વૈકલ્પિક વ્યવસ્થા અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કર્યા વિના યોજનાઓ આગળ વધારવામાં આવી રહી હોવાનો તેમનો આક્ષેપ છે.
વિવિધ ગામોમાં ખેડૂતોની સભાઓ યોજાઈ રહી છે અને જય જવાન, જય કિસાન તથા કિસાન એકતા જિંદાબાદના નારા સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા મારફતે પણ ગામોના નિર્ણયો અને વિરોધોના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે.
21થી વધુ જિલ્લાઓમાં મુદ્દો વિસ્તારવાનો દાવો
આંદોલનકારીઓનું કહેવું છે કે વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટની અસર માત્ર મોરબી સુધી મર્યાદિત નથી. રાજ્યના ૨૧થી વધુ જિલ્લાઓમાંથી પસાર થનારા પ્રોજેક્ટને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો અસરગ્રસ્ત થઈ શકે છે. તેથી આગામી સમયમાં આંદોલનને ગુજરાતના અન્ય જિલ્લાઓ સુધી વિસ્તારવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જેતપર સત્યાગ્રહ છાવણી બની આંદોલનનું કેન્દ્ર
ખેડૂતોના જણાવ્યા મુજબ જેતપર વિસ્તારમાં ચાલી રહેલી સત્યાગ્રહ છાવણી આંદોલનનું મુખ્ય કેન્દ્ર બની છે. અહીં વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો આવી રહ્યા છે અને કાનૂની માર્ગદર્શન સહિતની મદદ મેળવી રહ્યા છે. આંદોલનને વધુ વ્યાપક બનાવવા અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનોના આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ખેડૂત નેતા રઘુનાથ દાદા પાટીલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું આંદોલનકારીઓએ જણાવ્યું છે. અન્ય ખેડૂત આગેવાનોને પણ આગામી કાર્યક્રમોમાં જોડવા ચર્ચા ચાલી રહી છે.
સરકાર સાથે સીધી બેઠકની માગ
ખેડૂતોનું કહેવું છે કે તેઓ હિસાત્મક માર્ગને બદલે ચર્ચા અને સંવાદથી પ્રશ્નોનો ઉકેલ ઇચ્છે છે. સરકાર અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધી બેઠક યોજે, વીજલાઈન અને જમીનના પ્રશ્ને સમાધાન શોધે તેમજ યોગ્ય ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે મુખ્ય માંગણીઓ અંગે સંતોષકારક નિર્ણય નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે અને આગામી સમયમાં વધુ ગામોને આ અભિયાન સાથે જોડવામાં આવશે. મોરબીથી શરૂ થયેલો વિરોધ રાજ્યના અન્ય વિસ્તારોમાં વિસ્તરે તો તેની રાજકીય અને સામાજિક અસર પણ જોવા મળી શકે છે.