Loading Please Wait !!!
ગુજરાતમાં ભાજપનો વોટ શેર ઘટ્યો, કોંગ્રેસનો વધ્યો

શહેરી વોટ બેંકમાં ભંગાણ: ભાજપ માટે ખતરાની ઘંટડી

  • વડોદરાની માંજલપૂર બેઠકમાં 2022માં ભાજપને 75% વોટ શેર હતા કોંગ્રેસને 12.2% વોટ શેર હતા

  • 2026ની પેટાચૂંટણીમાં ભાજપના 8.58% વોટ શેર ઘટ્યો, કોંગ્રેસનો 17.87% વોટ શેર વધ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ - એનાલિસીસ અનિરુદ્ધ નકુમ 

રાતમાં યોજાયેલી તાજેતરની ત્રણ પેટા ચૂંટણીઓના પરિણામોએ રાજકીય પરિસ્થિતિમાં નવા સંકેતો આપ્યા છે. ખાસ કરીને ગુજરાતની વડોદરા સ્થિત માંજલપુર બેઠક પર ભાજપની જીત છતાં આ પરિણામને સરળ રીતે જીત તરીકે જોવું પૂરતું નથી. આ ચૂંટણી ભાજપ માટે ચેતવણીરૂપ સંદેશ લઈને આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બદલાતા રાજકીય વલણ અંગે માંજલપુર, જે વર્ષોથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે, ત્યાં કોંગ્રેસના વોટ શેરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર માત્ર ૧૨.૨૨% હતો, જે ૨૦૨૬ની પેટા ચૂંટણીમાં વધીને ૩૦.૦૬% સુધી પહોંચ્યો છે. એટલે કે માત્ર ચાર વર્ષમાં કોંગ્રેસે ૧૭.૮૪% નો વધારો કર્યો છે. બીજી તરફ ભાજપનો વોટ શેર ૮.૫૮% ઘટ્યો છે. જે એક મજબૂત પક્ષ માટે ચિંતાજનક બાબત ગણાય.

આંકડાઓ વધુ સ્પષ્ટ ચિત્ર આપે છે. ૨૦૨૨માં ભાજપને ૧,૨૦,૧૩૩ મત મળ્યા હતા જ્યારે ૨૦૨૬ની પેટા ચૂંટણીમાં આ આંકડો ઘટીને ૫૫,૪૮૧ પર આવ્યો. કોંગ્રેસે ઓછા મતદાન વચ્ચે પણ પોતાના મત વધાર્યા છે. ખાસ નોંધનીય વાત એ છે કે માંજલપુરના

૧૭ બૂથ એવા રહ્યા જ્યાં કોંગ્રેસને લીડ મળી જે શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડને પડકાર આપે છે.

આ પરિસ્થિતિમાં ૨૦૨૬ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો ભાજપ માટે આ પરિણામ માત્ર આંકડાકીય ઘટાડો નહીં પરંતુ રાજકીય સંકેત છે. જ્યાં જીતનું માર્જિન ૧૦,૦૦૦ થી ૩૦,૦૦૦ વચ્ચે હોય તેવા વિસ્તારોમાં આવી રિવિંગ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વધુમાં, ખેડૂતોમાં નારાજગી જેવી બાબતો જો ગ્રામ્ય વિસ્તારોમાં અસર કરે તો ભાજપ માટે પડકાર વધુ કઠિન બની શકે.

ગુજરાતના બહાર પણ સંકેતો મળ્યા છે. મધ્યપ્રદેશમાં દતિયા બેઠક પર કોંગ્રેસની જીત અને બિહારની બાંકીપુર બેઠક પર નવી પાર્ટી જનસ્વરાજના પ્રશાંત કિશોરની જીત જે બેઠક છેલ્લા ૩૫ વર્ષથી ભાજપ પાસે હતી એ દર્શાવે છે કે મતદારો નવી વિકલ્પોની તરફ પણ વળી રહ્યા છે.

આ તમામ પરિસ્થિતિને જોતા સ્પષ્ટ થાય છે કે ભાજપ માટે હવે આત્મમંથન જરૂરી બની ગયું છે. ગુજરાત જેવા મજબૂત ગઢમાં પણ જો શહેરી વિસ્તારોમાં જનાધાર ઘટે, તો તે માત્ર એક ચૂંટણીનું પરિણામ નહીં પરંતુ મોટા રાજકીય પરિવર્તનનો આરંભ પણ હોઈ શકે છે. આથી, ભાજપ માટે આ સમય જીતનો ઉત્સવ મનાવવાનો નહીં પરંતુ આગામી પદાધિકારીઓને સમજવાનો છે. સમયસર પગલાં લેવામાં આવે તો પરિસ્થિતિ સંભાળી શકાય, નહીં તો આવનારી ચૂંટણીમાં આ ચેતવણીની હકીકતમાં પરિવર્તિત થઈ શકે છે.