Loading Please Wait !!!
‘કાજુકતરી કાંડ’ કમિશનર સુમેરા શંકાના ઘેરામાં?

  • 5 રૂપિયાનું બિલ કમિશનરથી મંજૂરી વગર પાસ થઈ શકે નહીં
  • મ્યુનિસિપલ કમિશનરે જે સમિતિ બનાવી તેને 15 દિવસ પૂર્ણ: ‘કટકીકાંડ’ તપાસ ‘ઝિરો’ કારણ શું?
  • પ્રકરણ ઠંડું પાડી દઈ બિલ પાસ કરવાની છટકબારી ગોઠવવામાં આવી રહી છે?

સિટી ન્યૂઝ@રાજકોટ

કાજુકતરી કાંડને ટુકડે-ટુકડે ગેંગને બચાવવાના પ્રયાસ શરૂ થયા હોય તેમ મ્યુનિસિપલ કમિશનરે જે સમિતિની રચના કરી હતી અને બાદમાં અધ્યક્ષ બદલાવી નાખ્યા તે સમિતિને આજે ૧૫ દિવસ બાદ પણ કોઈ બેઠક મળી નથી. તેથી તપાસ હજુ શરૂ જ થઈ નથી.

કાજુકતરી કાંડને પગલે મેયર લેહલ શુક્લએ તપાસ કરવા માટે કમિશનરને પત્ર લખ્યો હતો. કમિશનરે તેના આધારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણીની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવી હતી, જેની બેઠક પણ મળી હતી. જોકે ત્યારબાદ કમિશનર તુષાર સુમેરાએ નંદાણીને બદલે કેતન જોષીને તપાસ સમિતિના અધ્યક્ષ બનાવી દીધા હતા.

ત્યારબાદથી અત્યાર સુધીમાં ફક્ત એક જ વખત તપાસ સમિતિની બેઠક મળી હતી અને તે પણ પ્રાથમિક બેઠક હતી, કોઈ મહત્વના નિર્ણય લેવાયા ન હતા. સમિતિના ગઠનના ૧૫ દિવસ થઈ ગયા છતાં કામગીરી શૂન્ય છે. હકીકતે આ જ ષડયંત્ર છે.

પ્રમોટી આઈએએસ કેતન જોષી પાસે પીજીવીસીએલ એમડી અને રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરની સાથે સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ છે. ઘણી બધી મહાનગરપાલિકાઓ, મસમોટી પીજીવીસીએલ અને મનપાના કામમાં કેતન જોષી રીતસરના ચાર્જમાં દબાઈ ગયા છે, તેમને પાસે પૂરતો સમય જ નથી.

તેવામાં તેમને જ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. તપાસ સમિતિનું કામ ગહન અભ્યાસ કરવાનું છે અને તે માટે બેઠક કરવી પડે, ડેટા ભેગો કરવો પડે, દસ્તાવેજો ચકાસવા પડે અને નિવેદનો લેવા પડે. આ માટે રોજ કામગીરી કરવી પડે, પણ ત્રણ-ત્રણ કચેરી સંભાળતા કેતન જોષીને નીમીને મ્યુનિ. કમિશનરે જ તપાસ સમિતિને મૃતપ્રાય બનાવી દીધી છે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કે જેઓ જંગલેશ્વરના ડિમોલિશનના જશ ખાટવાના મૂડમાં હતા પણ કાજુકતરી કાંડને કારણે રાજકોટ મનપા ટીકા અને હાંસીને પાત્ર બની છે.